///

ડ્રગ્સ કેસ: NCBએ મુંબઈના બે અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

NCBએ ડ્રગ્સ કેસમાં પોતાના બે અધિકારીઓ વિરૂદ્ધ એક્શન લીધી છે. જેમાં મુંબઇ NCBના બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ બંન્ને અધિકારીઓ પર શંકા છે કે, કોમેડિયન ભારતીને અને તેના પતિ હર્ષ તેમજ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્માને જામીન અપાવવામાં તેમનો રોલ શંકાસ્પદ રહ્યો છે.

તો સાથે જ NCBના વકીલના રોલની પણ તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે જ્યારે આ સ્ટાર્સના જામીનને લઇને સુનાવણી થવાની હતી, ત્યારે વકીલ જ હાજર થઇ શક્યા નહતા જેને કારણે NCBનો પક્ષ રાખવામાં આવ્યો નહતો. આ બન્ને અધિકારીઓ પર વિભાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, NCBએ કોમેડિયન ભારતી સિંહના ઘરમાંથી આશરે 86.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. ત્યારબાદ ભારતીની ધરપકડ કરી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. જ્યારે ભારતીએ કોર્ટમાં જામીન માંગ્યા તો તેને સરળતાથી જામીન મળી ગયા હતા, કારણ કે NCBનો કોઇ અધિકારી અથવા વકીલ કોર્ટમાં હાજર ન હતો.

તો બીજી બાજુ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે પણ આ પ્રકારનું થયું હતું, જ્યા કુલ 1.7 ગ્રામ હૈશ જપ્ત થયો હતો. જ્યારે કરિશ્માએ જામીન અરજી નાખી ત્યારે પણ NCBનો કોઇ અધિકારી કોર્ટમાં નહતો અને જામીન મળી ગયા હતા. હવે NCB તરફથી NDPS કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં ભારતી સિંહ, હર્ષને મળેલા જામીનને ચેલેન્જ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી જ કેટલીક એજન્સીઓ મુંબઇમાં છે. આ કેસની તપાસ દરમિયાન ડ્રગ્સ સાથે જોડાયેલી વાતો સામે આવી હતી, જેની કડીઓ જોડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં NCB કેટલાક ફિલ્મ સ્ટાર્સ, ટીવી સ્ટાર્સ, પ્રોડક્શન કંપનીઓ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published.