ગુજરાતમાં કોરોના સંક્રમણની વચ્ચે ઠંડીનું પ્રમાણ પણ વધતું જાય છે. તો બીજી બાજુ ડ્રગ્સની હેરાફેરીના બનાવો પણ વધી ગયા છે. ત્યારે ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરીનો બનવા સામે આવ્યો છે. જેમાં બોર્ડર પારથી મોટા પ્રમાણમાં ગુજરાતમાં નશો ઘુસાડવામાં આવી રહ્યો છે. રાજસ્થાન બોર્ડર પરથી બનાસકાંઠામાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યુ હોવાની બાતમીના આધારે પોલીસે 4.98 લાખના એમડી ડ્રગ્સ સાથે પાંચ આરોપીની અટકાયત કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતા માહિતી પ્રમાણે રાજસ્થાનના સાંચોરથી એમડી મેફેડ્રોન ડ્રગ્સ લઇને પાંચ લોકો ઇકો ગાડીમાં બેસીને ગુજરાત તરફ આવતા હતા. આ દરમિયાન બનાસકાંઠાના લાખણી તાલુકાના આગથળા ગામ પાસે ડ્રાઇવરે ગાડી પર કાબુ ગુમાવતા ઇકો ગાડી પલટી મારી ગઇ હતી.
આ બનાવ બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોચી હતી અને તે દરમિયાન શંકા જતા પોલીસે ગાડીની તપાસ કરી હતી. જેમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યુ હતું. ત્યારબાદ પોલીસે કારમાં સવાર પાંચ લોકોની અટકાયત કરી 4.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ પોલીસે પાંચેય આરોપીઓ સામે NDPS એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.