////

ડ્રગ્સ કાંડ: NCB ઓફિસમાં બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલની પૂછપરછ શરૂ

બોલિવૂડમાં ડ્રગ્સના મામલાને લઈને NCBએ તપાસ માટે બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલને એજન્સીએ સમન્સ મોકલ્યું હતું. ત્યારબાદ શુક્રવારે તેઓ પૂછપરછ માટે NCBની ઓફિસ પહોંચ્યા છે, જ્યાં તેમની પૂછપરછ ચાલી રહી છે. આ પહેલા પણ અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમિટ્રિએડ્સની બુધવાર તેમજ ગુરુવાર એમ બે દિવસ પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે સોમવારે તેના ઘરે એજન્સીએ દરોડા પણ પાડ્યા હતા.

આ ઉપરાંત ગ્રેબિએલાના ભાઈ એગીસલોસ ડેમેટ્રિએડ્સની પહેલા જ એજન્સીએ ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ NCBએ જાણકારી આપી હતી કે, એગીસલોસ ડેમેટ્રિએડ્સની પાસેથી ચરસ અને એલ્પ્રાઝોલમ ટેબ્લેટ્સ મળી આવી હતી. એગિસલોસની 18 ઓક્ટોબરે ધરપકડ કર્યા બાદ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો, જે બાદ કોર્ટે તેને NCBની કસ્ટડીમાં મોકલી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ આ કેસમાં અનેક મોટા સેલેબ્રિટીઝનું નામ સામે આવ્યું છે. જેમાં અનેક લોકોની પૂછપરછ કરવામાં આવ્યા બાદ અર્જુન રામપાલનું નામ પણ સામે આવ્યું હતું. અત્યાર સુધી બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન, દીપિકા પાદૂકોણ, રકુલ પ્રિત સિંહ અને શ્રદ્ધા કપૂરનું નામ પણ ડ્રગ્સ કનેક્શનમાં સામે આવી ચૂક્યું છે અને NCB દ્વારા તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. હાલ અભિનેતા અર્જુન રામપાલની NCB ઓફિસમાં ડ્રગ્સ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.