///

સુરતમાં કમોસમી વરસાદને પગલે પોંકની ખેતીને માઠી અસર થશે

રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે આ કમોસમી વરસાદને પગલે ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતામાં મુકાયા છે. તો બીજી બાજુ સુરત જિલ્લામાં માવઠુ તેમજ કમોસમી વરસાદને પગલે કપાસ, કેરી અને ચીકુના પાકોને નુકશાન પહોંચ્યું છે, ત્યારે દેશભરમાં પ્રખ્યાત એવા સુરતના પોંકની ખેતીને પણ માઠી અસર થશે. કમોસમી વરસાદને કારણે આ લીલા પોંકનો કલર લાલ થઈ જશે, જેની સીધી અસર પોંક બજારને થશે.

રાજયમાં સુરત શહેર પોંકની ખેતીને લઈને જાણીતું છે. ત્યારે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ સુરતના પોંક વખણાય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી સુરતમાં પોંકની ભઠ્ઠીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં આશરે 1000 જેટલા એકરમાં પોંકની ખેતી થાય છે. પરંતુ હાલના કમોસમી વરસાદને પગલે જુવારના દાણા લાલ પડી જવાથી ભારે નુકશાની વેઠવાની નોબત આવી છે.

આ ઉપરાંત કમોસમી વરસાદને લીધે પોંક માટે બનાવાતી ખાસ વાનીની જુવારને માવઠાથી મોટી અસર થતી હોય છે. માવઠાને લીધે જુવારના દાણા લાલ થઈ જતા હોય છે જેને લીધે પોંક બનાવવા માટે આ જુવાર બીનઉપયોગી બની જશે અને પોંક બજાર પર સીધી અસર થવાની શક્યતા છે. ઉપરાંત સુરત આવેલા NRI લોકો હજારો રૂપિયાનો પોંક નેટની બેગમાં પેક કરાવી લઈ જતા હતા. જો કે કોરોનાને કારણે તેની સંખ્યામાં પણ ઘટાડો થતા આ વખતે ઘરાકી 50 ટકા જેટલી રહેવાની આશા વેપારીઓ રાખી રહ્યા છે.

આ અંગે પોંકનો વેપાર કરતા વેપારીએ કહ્યું કે, કોરોનાને કારણે NRI લોકોમાં પોંકની ઓછી ડિમાન્ડને કારણે દર વર્ષ કરતા આ વર્ષે ઘરાકી 40 ટકા જેટલી ઘટી હતી. તેમાં પણ કમોસમી વરસાદને કારણે પોંકના પાકને નુકસાન જશે અને ઘરાકી આશરે 50 ટકા જેટલી જ રહેશે.

Leave a Reply

Your email address will not be published.