///

કોરોનાકાળમાં રિક્ષાચાલકોએ આર્થિક સહાય મુદ્દે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પીટીશન કરી

કોરોના વાઈરસના કહેર વચ્ચે આર્થિક સહાય મુદ્દે રિક્ષા ચાલકોએ હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પીટીશન દાખલ કરી છે. અનલૉક બાદ પણ કોરોના બીમારીના ભયના કારણે પેસેન્જર ઓછા મળતા હતાં. જેનાં લીધે રિક્ષા ચાલકોએ સહાય મેળવવા અરજી કરી છે. ઓટો રિક્ષા ડ્રાઇવર યુનિયન અને અમદાવાદ રેલવે સ્ટેશન ઓટો રિક્ષા યુનિયને અરજીમાં હાઈકોર્ટે આપેલા નિર્દેશોનું રાજ્ય સરકાર દ્વારા પાલન ન કરવાનો આક્ષેપ મૂક્યો છે.

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં રજૂઆત કરી હતી કે, હાઈકોર્ટે ઓટો રિક્ષા ચાલકોને કોરોનાના લોકડાઉનથી થયેલા નુકસાન પેટે વળતર આપવા બાબતે કરેલા હુકમનો ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી. અત્યાર સુધીમાં આત્મનિર્ભર સહાય યોજના હેઠળ ગુજરાતના સાડા આઠ લાખ રિક્ષા ચાલકોમાંથી ફક્ત 820 રિક્ષા ડ્રાઇવરોને લોન આપવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ અગાઉ આપેલા નિર્દેશમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આત્મનિર્ભર લોન યોજનાની પ્રક્રિયા વધુ સરળ કરવાનો આદેશ કર્યો હતો. જેના કારણે કોરોના મહામારીથી અસરગ્રસ્ત લોકોને ફરીથી પોતાના વ્યવસાયને પ્રસ્થાપિત કરવામાં મદદ મળે. આત્મનિર્ભર લોન યોજના હેઠળ સરકારની કોરોનામાં લૉકડાઉનથી અસરગ્રસ્ત થયેલા વ્યવસાયને ફરીથી પાટા પર લાવવા 1 લાખ સુધીની લોન આપવાની યોજના છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેટલાંક વર્ગના લોકોને સહાય મળવાપાત્ર હોય છે તેમ છતાં સહાય આપવામાં નથી આવી જેની હાઇકોર્ટમાં દાખલ કરાયેલ જાહેર હિતની અરજીમાં રજૂઆત કરાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રિક્ષા ચાલકોની સરેરાશ આવક 12થી 15 હજારની છે. જો કે અત્યારે તેમાં 78થી 81 જેટલો ઘટાડો જોવા મળ્યાં હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીને લીધે કેન્દ્ર સરકાર દ્વારા માર્ચથી મે મહિના સુધી લાગુ કરાયેલા તબક્કા વાર લૉકડાઉનને લીધે પણ રોજ કમાઈને રોજ ખાનારા વર્ગને મોટો ફટકો પડ્યો છે. જેથી તેમને યોગ્ય સહાય આપવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.