///

શિવસેના ધારાસભ્ય સરનાઈકના ઘર અને ઓફિસ સહિત 10 જગ્યાએ EDના દરોડા

શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકના થાણે ખાતેના ઘર અને ઓફિસ પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ અંગે મળેલ માહિતી પ્રમાણે, ઈડી પ્રતાપ સરનાઈકના ઘર અને ઓફિસ સહિત મુંબઈ અને થાણેના 10 ઠેકાણા પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જો કે ઈડીએ હજુ સ્પષ્ટપણે જાણકારી નથી આપી કે, આ દરોડા કયા કેસમાં પાડવામાં આવ્યા છે.

પ્રતાપ સરનાઈક એ થાણેના ઓવલા-મજીવાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે. તેઓ શિવસેનાના મહારાષ્ટ્ર પ્રવક્તા અને મીરા ભાયંદર વિસ્તારના સંચાર નેતા પણ છે. સરનાઈક ભાજપ વિરુદ્ધ સતત આક્રમક રહે છે. હાલમાં જ કંગના રનૌત દ્વારા મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર સાથે કરવાના મામલે રાજદ્રોહનો કેસ દાખલ કરવાની માગણી બાદ ચર્ચામાં આવ્યા હતા.

તો અર્નબ ગોસ્વામીના વિરોધમાં વિધાનસભામાં વિશેષ અધિકાર હનનનો પ્રસ્તાવ લઈને પણ આવ્યા હતા અને કલર્સ ચેનલના શો બિગ બોસમાં કુમાર શાનૂના પુત્ર જાન શાનૂના મરાઠી વિરુદ્ધ બોલવાનો મુદ્દો પણ તેમણે જ ઉઠાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.