//

આજે બિહાર સહિત 11 રાજ્યોની ચૂંટણીના પરિણામો

બિહાર વિધાનસભાની 243 બેઠકો પર ચૂંટણી સાથે 11 રાજ્યોની કુલ 58 વિધાનસભા બેઠકો અને બિહારની વાલ્મીકી નગર લોકસભા બેઠક પરની પેટાચૂંટણીના પરિણામો આજે મંગળવારે સામે આવશે.

એક્ઝિટ પોલમાં બિહારમાં RJD નેતા તેજસ્વી યાદવની આગેવાની ધરાવતા મહાગઠબંધનને બહુમત મળતું જોવા મળી રહ્યું છે. આ આજે એક્ઝિટ પોલના પરિણામો સાચા ઠરશે, તો રાજ્યમાં 15 વર્ષ જૂની NDA સરકાર માત્ર તૂટશે જ નહી, પરંતુ NDAના રાજકીય સમીકરણોમાં પણ મોટું પરિવર્તન જોવા મળી શકે છે.

અનેક પાર્ટીમાં જોડ-તોડની સંભાવના પણ નકારી શકાય નહીં. આ સાથે જ ભાજપ, જે અત્યાર સુધી નંબર ત્રણની પાર્ટી રહી હતી, તે સીધી બીજા નંબર પર આવીને મુખ્ય વિરોધી પાર્ટી બની શકે છે.

આ સિવાય જે 11 રાજ્યોની 58 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થઈ છે. તેમાં મધ્ય પ્રદેશની 28, ગુજરાતની 8, ઉત્તર પ્રદેશની 7, મણિપુરની 4, કર્ણાટક, ઓડિશા, ઝારખંડ અને નાગાલેન્ડની બે-બે બેઠકો તથા છત્તીસગઢ, તેલંગાણા અને હરિયાણાની એક-એક બેઠક પર પણ પેટાચૂંટણી માટે મતદાન થયું છે જેનુ પરિણામ પણ આજરોજ સામે આવશે.

હકીકતમાં મણિપુરમાં 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે સિંધાટ બેઠક પર ભાજપના ઉમેદવાર જિનસુઆનહાઉ જોઉને 23 ઓક્ટોબરે બિનહરિફ વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતાં. જ્યારે તેમના હરિફ અપક્ષ ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધુ હતું. આ સિવાય બિહારની વાલ્મિકી નગર લોકસભા બેઠક ઉપર પણ 7 નવેમ્બરે પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠક JDU ઉમેદવાર વૈદ્યનાથ મહતોના અવસાન બાદ ખાલી થઈ હતી.

આ ઉપરાંત મધ્ય પ્રદેશની 28 બેઠકો પર પણ પેટાચૂંટણી માટે મતદાન થયું છે. આ ચૂંટણીમાં રાજ્યની શિવરાજ સિંહ સરકારની શાખ દાવ પર લાગી છે. જેના પરિણામ પર શિવરાજ સિંહની સરકાર ટકી છે. શિવરાજ સિંહે વિધાનસભામાં બહુમતનો જાદુઈ આંકડો પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછી 9 બેઠકો પર વિજય મેળવવો જ પડશે.

હાલ 230 ધારાસભ્યો ધરાવતી મધ્ય પ્રદેશ વિધાનસભામાં ભાજપના 105 MLA છે. બહુમત માટે 116 ધારાસભ્યોની જરૂર છે. આ સિવાય આ પેટાચૂંટણીના પરિણામો રાજ્યમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજકીય ભાવિનો પણ ફેંસલો કરશે. આ તમામ બેઠકની મતગણતરી આજે મંગળવારે 8 કલાકે હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published.