/////

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી બેઠક પર આગામી મહિનામાં યોજાઇ શકે છે ચૂંટણી

કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠક પર આગામી મહિને ચૂંટણી યોજાઈ શકે છે. ડિસેમ્બર મહિનામાં પેટાચૂંટણી જાહેર થઈ શકે છે. જો હાલ ચૂંટણી યોજાય તો ભાજપને આ બેઠક મળે તેવી પૂરી શક્યતાઓ છે. ભાજપ પાસે હાલ વિધાનસભામાં 111 ધારાસભ્યો સાથેનું પૂર્ણ બહુમત છે. તેવા સંજોગોમાં ચૂંટણી આવતા જ આ બેઠક સીધી ભાજપને મળશે. કોઈ પણ તોડજોડ વગર ભાજપ આ બેઠક જીતી જશે.

આ પહેલા પણ વર્ષ 2016માં કોંગ્રેસના સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલના નિધનથી બેઠક ખાલી પડી હતી. જેમાં ભાજપે પોતાના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલાને રાજ્યસભામાં મોકલ્યા હતાં. તે જ રીતે આ વખતે પણ ભાજપ કોઈ જુના જોગીને આ પેટાચૂંટણીમાં ઉતારી શકે છે. વર્ષ 2016થી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ રસાકસીભરી બની રહી છે. ત્યારે આ વખતની પેટા ચૂંટણીની બેઠક કોઈપણ ઉતાર-ચઢાવ વગર ભાજપને મળી શકે છે.

કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે, તેવા સંજોગોમાં કોંગ્રેસ આ બેઠક જાળવી શકે તેમ નથી. જો ભાજપ કોઈ ઉમેદવાર ન ઉતારે તો જ આ બેઠક કોંગ્રેસને મળે તેમ છે. પણ ભાજપની રાજ્યસભા બેઠકો માટેની રણનીતિ જોતા ભાજપ આસાનીથી મળી રહેલી આ બેઠક જવા દે તેવા કોઈ સંજોગો દેખાતા નથી.

ભાજપ પાસે રાજ્યસભામાં હાલ 93 બેઠકો છે અને સૌથી મોટો પક્ષ છે. ભાજપ એકલા હાથે રાજ્યસભામાં બહુમતી મેળવવા માગે છે અને એટલે જ એક-એક બેઠક માટે એડીચોટીનું જોર લગાવે છે. રાજ્યસભામાં ભાજપને બહુમતી મળે તો અન્ય પક્ષો પરનો આધાર ઘટે અને પોતાના એજન્ડા, વચનો અનુસારના કાયદા પસાર કરાવવામાં સરળતા રહે.

આમ, ગુજરાતની વધુ એક રાજ્યસભા બેઠક ભાજપને મળવાનું નિશ્ચિત છે. હાલ ગુજરાતની 11 બેઠકમાંથી ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 3 બેઠક છે. 1 બેઠક હાલ ખાલી છે. જેની ચૂંટણી થોડા દિવસોમાં જાહેર થશે.

Leave a Reply

Your email address will not be published.