////

કેન્દ્રની 3 ડૉક્ટરની ટીમની અમદાવાદમાં એન્ટ્રી, SVP હોસ્પિટલની લીધી મુલાકાત

રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કેન્દ્રની એક ટીમ આજે આવી પહોંચી હતી. ત્યારે આ ટીમે અમદાવાદમાં આવેલી SVP હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ કોવિડના દર્દીઓની સારવાર પદ્ધતિ અને ડૉક્ટરોની કામગીરીની ચકાસણી પણ કરી હતી. આ ટીમ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બપોર બાદ બેઠક કરીને રાજ્યની કોરોનાની પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર કરી કેન્દ્રના આરોગ્ય મંત્રાલયને સોંપશે, જેના આધાર પર રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવા માટેની ચોક્કસ ગાઈડલાઈન્સ કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવશે.

રાજ્યમાં કેન્દ્રમાંથી રાષ્ટ્રીય વિકાસ નિગમના ડાયરેક્ટર ડૉ. એસ.કે સિંઘની ટીમ આવી પહોંચી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડો.એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે. ત્યારે ભારત સરકારના તજજ્ઞ ડોક્ટરોની ટીમ અમદાવાદ SVP હોસ્પિટલ ખાતે પહોંચી છે અને અમદાવાદ ઉપરાંત અન્ય મહાનગરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. જેમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓને દિશાનિર્દેશ પણ આપશે.

ડો. સુજીત કુમારની આગેવાની હેઠળ તેમના સહિત 3 ડૉક્ટરની ટીમ રાજ્યમા આવી છે. તેમની સાથે ડો. રામ મનોહર લોહિયા અને ગુજરાત કેડરના IAS અને અમદાવાદના પૂર્વ મ્યુનિ.કમિશ્નર ડી. થારા પણ મુલાકાતે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ જુલાઈ અને ઓગસ્ટમાં કોરોનાના કેસ અંગેની સમીક્ષા કરવા રાજ્યમાં આવી હતી. તો નીતિ આયોગના સભ્ય વિનોદ પોલ, ICMRના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા અને આર.પી. આહુજા એડિશનલ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી ડિપાર્ટમેન્ટ પણ રાજ્યમાં આવ્યા હતા. તે સમયે અમદાવાદ અને સુરત શહેરની કોરોનાની સ્થિતિ અંગે કેન્દ્રની ટીમે સમીક્ષા કરી હતી.

Leave a Reply

Your email address will not be published.