રાજકોટમાંથી બોગસ આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. બોગસ આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ વારંવાર સામે આવતું હોય છે. ત્યારે શહેરમાંથી પકડાયેલા બોગસ આધારકાર્ડ કૌભાંડ મામલે મનપાના કોંગ્રેસ કાર્યાલયના મંત્રી વિરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આધારકાર્ડ બનાવવા મુદ્દે અગાઉ પણ 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે મનપાના કોંગ્રેસ કાર્યાલયના મંત્રી વિરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવતા આ કૌભાંડમાં અન્ય કોઇ મોટા માથાની સંડોવણી સામે આવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજકોટમાં ભારતના રહેવાસી ન હોય તેવા લોકોના નકલી દસ્તાવેજોના આધારે આધારકાર્ડ કાઢી આપવાના ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી હતી.
આ તકે પોલીસે તપાસ હાથ ધરતા 1500 રૂપિયા લઇને આધારકાર્ડ કાઢી આપતા હોવાનું ખૂલ્યું છે. આ બંન્ને શખ્સોએ અત્યાર સુધીમાં 30થી 40 આધારકાર્ડ કાઢી આપ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.