///

રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની અંતિમયાત્રામાં પરિવારજનો અને CM રૂપાણી જોડાયા

રાજ્યસભાના સાંસદ તેમજ ભાજપના નેતા અભય ભારદ્વાજનું ગઇકાલે ચેન્નઇની હોસ્પિટલમાં નિધન થયું હતું. ત્યારબાદ આજે તેમના પાર્થિવદેહને રાજકોટ લઈ આવવામાં આવ્યો હતો. રાજકોટ તેમના નિવાસસ્થાને પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં કોરોનાના કારણે માત્ર પરિવારજનો જ જોડાયા હતા.

આજે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના પાર્થિવદેહને ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ લવાયો હતો. જ્યાંથી તેમના પાર્થિવદેહને બાય રોડ રાજકોટ તેમના નિવાસસ્થાને લઇ જવાયો હતો. જ્યાં શાસ્ત્રોક્ત વિધિ કર્યા બાદ પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પાર્થિવ દેહના દર્શન કરીને પ્રદક્ષિણા કરી હતી. તો અહીં મોટી સંખ્યામાં લોકો પણ તેમના દર્શન માટે પહોંચ્યા હતા.

ત્યારબાદ કોવિડ ગાઇડલાઇનના નિયમો પ્રમાણે તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં અભય ભારદ્વાજના 50 જેટલા પરિવારજનો અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ જોડાયા હતા. અંતિમયાત્રા દરમિયાન અભય ભારદ્વાજના પત્ની રડી પડ્યા હતા. તો પૂરો પરિવાર પણ શોકમગ્ન થઇ ગયો હતો.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, અભય ભારદ્વાજ જાહેરજીવનમાં ખુબ સક્રિય હતા. તેમણે કોરોના સામે લડત આપી. અભય ભારદ્વાજના નિધનથી ભાજપને મોટી ખોટ.

આ ઉપરાંત મુખ્યપ્રધાન રૂપાણી, આર.સી. ફળદુ, જયેશ રાદડિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ધનસુખ ભંડેરી સહિતના નેતાઓએ અભય ભારદ્વાજના પાર્થિવદેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published.