////

ગુજરાતમાંથી નવરાત્રીની સાથે સાથે ચોમાસું પણ લેશે વિદાય, જવાદ વાવાઝોડાની શું થશે અસર?

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કાર્યરત કૃષિ હવામાન વિભાગની હવામાન વેધશાળા દ્વારા વરસાદની વિદાય વિશે મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જે અનુસંધાને આગામી તા.15મી ઓક્ટોબર સુધીમાં સમગ્ર ગુજરાત ઉપરથી ચોમાસુ વિદાય લઈ લે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જૂનાગઢઃ અત્યારે ગુજરાતમાં નવરાત્રી જામેલી છે ત્યારે બીજી તરફ વરસાદ પણ ક્યાંક ક્યાંક પડી રહ્યો છે. પરંતુ ગુજરાતમાં નવરાત્રીની સાથે સાથે ચોમાસું પણ વિદાય લેવાની આગાહી થઈ હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કાર્યરત કૃષિ હવામાન વિભાગની હવામાન વેધશાળા દ્વારા વરસાદની વિદાય વિશે મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જે અનુસંધાને આગામી તા.15મી ઓક્ટોબર સુધીમાં સમગ્ર ગુજરાત ઉપરથી ચોમાસુ વિદાય લઈ લે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ભારત પર આવી રહેલાં જાવદ વાવાઝોડાની અસર ગુજરાત પર નહીં જોવા મળે, તેવી મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

કૃષિ યુનિવર્સિટીમાં કાર્યરત હવામાન વેધશાળાના મતે ગત ચોમાસાની ઋતુમાં જૂનાગઢમાં કુલ 54 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તેમજ વરસાદના કુલ દિવસો 46 જેટલા નોંધાયા છે. ચોમાસુ વિદાય ગુજરાતના અડધા ભાગમાં એટલે કે, ગાંધીનગર થી લઈ રાજકોટ અને પોરબંદર સુધીના વિસ્તારોમાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે. જૂનાગઢની વાત કરીએ તો, જૂનાગઢના અમુક ભાગોમાં આગામી એક-બે દિવસમાં હળવા વરસાદની શક્યતાઓ છે, જે પછી ચોમાસુ જૂનાગઢ ઉપરથી પણ વિદાય લઈ લેશે, એવી શક્યતાઓ હાલમાં વ્યક્ત થઈ રહી છે.

કૃષિ યુનિવર્સિટીમાં કાર્યરત હવામાન વેધશાળાના ટેક્નિકલ ઓફિસર ધિમંત વઘાસિયાએ જણાવ્યાં મુજબ; ચોમાસુ ધીમેધીમે સમગ્ર ગુજરાત પ્રદેશ ઉપરથી વિદાય લઈ રહ્યું છે, ત્યારે આગામી તા.15મી ઓક્ટોબર સુધીમાં ચોમાસુ સંપૂર્ણ ગુજરાત ઉપરથી વિદાય લઈ લેશે, તેવું જણાય રહ્યું છે.

વધુમાં તેઓએ જવાદ વાવાઝોડા વિશે વાત કરતાં જણાવ્યું કે, જવાદ નામનું વાવાઝોડું બંગાળમાં અંદામાન વિસ્તારની આજુબાજુ બનવાનું છે, જેનાથી એક લોપ્રેસર એરિયા તૈયાર થશે અને તેની અસર ગુજરાત પર જોવા નહીં મળે! જવાદ વાવાઝોડાની મુખ્યત્વે અસર પૂર્વ ભારતમાં બંગાળ, આસામ, મિઝોરમ વગેરે વિસ્તારોમાં તેની અસર જોવા મળો શકે છે.

આ તબક્કે ખેડૂતમિત્રોને જણાવતા ધિમંત વઘાસિયાએ કહ્યું કે, જો ખેડૂતો દ્વારા ખરીફ પાક તૈયાર થઈ ગયેલ હોય અને જો તેની લણણી કરવાની બાકી હોય તો, આગામી સમયમાં તે કરી શકાશે કારણ કે, વરસાદની શકયતા અને માત્રા હવે આગામી દિવસોમાં ઓછી રહેશે અને સંભવતઃ આગામી તા.15મી ઓક્ટોબર સુધીમાં ચોમાસુ સમગ્ર ગુજરાત રાજ્ય ઉપરથી વિદાય લઈ લેશે.

Leave a Reply

Your email address will not be published.