///

Farmer Protest: ભારત બંધને 11 વિપક્ષી દળનું મળ્યું સમર્થન

કૃષિ કાયદાના વિરોધમાં ખેડુતોના આંદોલનને હવે દેશવ્યાપી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં દેશના ખેડૂત સંગઠનોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું પણ આહવાન કર્યું છે. તેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિત રાજ્યોમાં ખેડૂત સંગઠનો સામેલ છે. તો સાથે જ કેટલાક રાજકીય પક્ષોએ પણ આ બંધને ટેકો આપ્યો છે. તો મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ બંધને સમર્થન આપ્યું છે.

આ અંગે કોંગ્રેસનાં પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે, કોંગ્રેસે 8 ડિસેમ્બરે ભારત બંધને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. અમે અમારી પાર્ટી કાર્યાલયોમાં પણ પ્રદર્શન કરીશું. ખેડૂતોને મજબુત સમર્થન આપવા માટેનું રાહુલ ગાંધીનું પગલું હશે, અમે ખાતરી કરીશું કે તે વિરોધ પ્રદર્શન સફળ થાય.

અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સંકલન સમિતિનાં બેનર હેઠળ આપવામાં આવેલા આ ભારત બંધમાં દેશભરનાં 400થી વધુ ખેડૂત સંગઠનો સામેલ છે. કોંગ્રેસ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોએ પણ તેને સમર્થન આપ્યું છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય લોક દળ, આરજેડી, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી અને સપાએ પણ ભારત બંધને ટેકો આપ્યો છે. ડાબેરી પક્ષોમાં, સીપીઆઈ, સીપીઆઈએમ, સીપીઆઈ (ML), આરએસપી અને ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકે પણ બંધને ટેકો આપ્યો છે.

તો બીજી બાજુ વિપક્ષોનું કહેવું છે કે, આ કૃષિ કાયદા સંસદમાં અલોકતાંત્રિક રીતે બનાવવામાં આવ્યા છે. વોટિંગ અને ચર્ચા પણ થઈ નથી. ભારતની ખાદ્ય સુરક્ષા માટે આ કાયદો ભયરૂપ છે. આ કાયદો આપણા ખેડૂત અને કૃષિ વ્યવસ્થાને ખતમ કરી નાખશે. તેઓએ 9મી ડિસેમ્બરે સાંજે પાંચ વાગે રાષ્ટ્રપતિને મળવાનો સમય પણ માંગ્યો છે. તો આમ આદમી પાર્ટીના દિલ્હીના પરિવહન પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું છે કે, સીએમ અરવિંદ કેજરીવાલે પણ ખેડૂતોના સમર્થનની વાત કહી છે. તેમણે રાજધાની દિલ્હીમાં લોકોને અપીલ કરી છે કે રાજધાનીમાં લોકો ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શનને સફળ બનાવે.

આ ઉપરાંત ખેડૂત આગેવાન બલદેવસિંહ નિંહાલગઢે જણાવ્યું હતું કે, 8મી ડિસેમ્બરે ભારત સવારથી સાંજ સુધી બંધ હશે. તો ચક્કાજામ ત્રણ વાગે થશે. એમ્બ્યુલન્સ અને લગ્નો માટે રસ્તો ખુલ્લો રહેશે. શાંતિપૂર્ણ પ્રદર્શન રહેશે. ચંદીગઢ સેક્ટર 17ના ગ્રાઉન્ડમાં ખેડૂત સાતમી તારીખે મોટા પ્રદર્શનનું આયોજન કરશે.

Leave a Reply

Your email address will not be published.