///

Farmers Protest: ખેડૂત આંદોલન બન્યું ઉગ્ર, જયપુર-દિલ્હી હાઈવે બંધ કરવાનું એલાન

ખેડૂતો એ સરકારના નવા કૃષિ કાયદામાં સંશોધનના પ્રસ્તાવને એકવાર ફરીથી ફગાવી દીધો છે. આ સાથે જ ખેડૂતોએ નવા કૃષિ કાયદાના વિરોધમાં હવે ભૂખ હડતાળની જાહેરાત કરી છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી ત્રણ કૃષિ કાયદા રદ નહીં કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ખેડૂતોના આંદોલનનો આજે 18મો દિવસ છે અને આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે તેમ લાગી રહ્યું છે.

ખેડૂતોએ જાહેરાત કરી છે કે 14 ડિસેમ્બરે સિંઘુ બોર્ડર પર તમામ ખેડૂત નેતાઓ ભૂખ હડતાળ કરશે. આ દિવસે દેશના તમામ જિલ્લા મુખ્યાલય પર પ્રદર્શન કરવામાં આવશે. આ બાજુ રાજસ્થાન બોર્ડરથી આજે રવિવારે હજારો ખેડૂતો ટ્રેક્ટર માર્ચ કાઢીને દિલ્હી તરફ કૂચ કરશે. તેઓ આજે રવિવારે દિલ્હી-જયપુર હાઈવે બંધ કરશે.

ઉલ્લેખનિય છે કે ખેડૂત સંગઠનોએ શનિવારે હરિયાણા અને પંજાબમાં તમામ ટોલ પ્લાઝા ફ્રી કરાવ્યા હતાં. ખેડૂતોએ સરકારને ચેતવણી આપી હતી કે જો તેમની માગણીઓ ન સ્વીકારવામાં આવી તો તેઓ આંદોલન વધુ ઉગ્ર બનાવશે.

ખેડૂતો છેલ્લા 17 દિવસથી નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર ધરણા ધરી રહ્યા છે. આ બધા વચ્ચે હરિયાણાના એક ખેડૂત પ્રતિનિધિમંડળે શનિવારે કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરને મળીને નવા કૃષિ કાયદા અંગે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. તેમણે કૃષિપ્રધાનને પત્ર સોપ્યો અને નવા ખેડૂત કાયદાને ફાયદાકારક ગણાવ્યાં હતાં. કૃષિપ્રધાને સમર્થન જતાવવા બદલ ખેડૂત પ્રતિનિધિમંડળનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ બાજુ ભારતીય કિસાન યુનિયન ભાનુ જૂથના નેતાઓએ શનિવારે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને કૃષિપ્રધાન સાથે મુલાકાત કરીને ખેડૂતોની ચિંતાઓ તેમની સામે રજુ કરી હતી. આ ખેડૂત સંગઠન છેલ્લા કેટલાક દિવસોથી નોઈડા-દિલ્હી ચિલ્લા બોર્ડરને બંધ કરીને બેઠા છે. ખેડૂત સંગઠને સરકાર પાસે ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ લઇ આવવાની માગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published.