///

નર્મદા: પાક નુકસાનના વળતર માટે ખેડૂતોને કચેરીઓના ધરમના ધક્કા

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં અતિ ભારે વરસાદમાં ખેતીના પાકમાં મોટી નુકસાની થઈ હોય એવા ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના લગભગ 123 તાલુકાઓને પાક નુકસાનનું વળતર ચૂકવવા સરકારે નિર્ણય કર્યો હતો. ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનો પણ એમાં સમાવેશ કરાયો હતો. આમ છતાં નાંદોદ તાલુકાના સુલતાનપુરા 50 જેટલા ખેડૂતો નુકસાનીનું વળતર મેળવવા છેલ્લા 1 મહિનાથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.

આ ઉપરાંત વળતર મુદ્દે રજુઆત કરવા નાંદોદ તાલુકાના સુલતાનપુરા ગામના ખેડૂતો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહાપ્રધાન હરેશ વસાવા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. નર્મદા કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું કે, સુલતાનપુરા ગામ ગરુડેશ્વર તાલુકા વિસ્તારમાં આવેલું છે, પણ જ્યારે નાંદોદ તાલુકામાંથી ગરુડેશ્વર તાલુકો અલગ થયો ત્યારે સુલતાનપુરા ગામનો સીમાડો નાંદોદ તાલુકામાં જ રહી ગયો. આથી રેવન્યુને લગતી તમામ કામગીરી નાંદોદ તાલુકામાં જ થાય છે. 7/12, 8(અ) ના ઉતારામા પણ અમારું ગામ નાંદોદ તાલુકામાં બોલે છે, અમને વળતર મળવું જ જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું કે, CM વિજય રૂપાણીને પણ અમે લેખિત ફરિયાદ કરી છે, CM એ નીવેડો લાવવા લેખિત આદેશ કર્યો તો એની પણ અવગણના થઈ રહી છે. નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારીને અમને એમ કહ્યું કે, નાંદોદ TDO એપ્રુવલ આપે તો તમારા ખાતામાં વળતર જમા થાય. નાંદોદ TDO અમને એમ કહે છે કે તમે ગરુડેશ્વર તાલુકામાં આવો છો, ગરુડેશ્વર TDO કહે છે કે તમારું રેવન્યુ તો નાંદોદ તાલુકામાં બોલે છે.

ત્યારે આ સરકારી દસ્તાવેજની ભૂલને પગલે અમે છેલ્લા 1 મહિનાથી વળતર મેળવવા સરકારી કચેરીઓના આંટા ફેરા મારી રહ્યા છીએ. જો અમને ન્યાય નહિ મળે તો અમે આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.

Leave a Reply

Your email address will not be published.