///

હરિયાણાના અંબાલામાં ખેડૂતોનું પ્રદર્શન, પ્રદર્શનકારીઓ પર પાણીનો મારો ચલાવાયો

ખેડૂતો દ્વારા કૃષિ સાથે જોડાયેલા ત્રણ કાયદાને લઇને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જેમાં કિસાન સંગઠન સતત આ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહ્યાં છે. ત્યારે બુધવારે હરિયાણાના અંબાલામાં ખેડૂતોએ પ્રદર્શન કર્યુ હતું. આ દરમિયાન ચંદીગઢ-દિલ્હી હાઇવે પર ભેગા થયેલા પ્રદર્શનકારીઓ પર વોટર કેનનથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ગુરૂવારે ખેડૂતોનું ‘દિલ્હી ચલો’ માર્ચ છે. જેને ધ્યાનમાં રાખીને હરિયાણા-પંજાબ બોર્ડરની સાથે સાથે ચંદીગઢ-દિલ્હી હાઇવેને પણ સીલ કરી દેવામા આવી છે. ખેડૂતોના પ્રદર્શનને જોતા મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા છે. જેના વિરોધમાં કેટલાક ખેડૂતોએ પ્રદર્શન કર્યુ હતું, ત્યારબાદ ખેડૂતો પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

જોકે ‘દિલ્હી ચલો’ના માર્ચ હેઠળ શહેરને જોડનારા પાંચ રાજમાર્ગો દ્વારા ખેડૂતોનો 26 નવેમ્બરે દિલ્હી જવાનો કાર્યક્રમ છે. કૃષિ કાયદાને પરત લેવા દબાણ બનાવવા માટે અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતી, રાષ્ટ્રીય કિસાન મહાસંઘ અને ભારતીય કિસાન યૂનિયનના વિવિધ દળોએ હાથ મિલાવ્યો છે અને એક સંયુક્ત કિસાન મોર્ચાની રચના કરી છે. આ પ્રદર્શનને 500થી વધુ ખેડૂત સંગઠનોનું સમર્થન મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published.