///

બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂતો નાયબ કલેક્ટર કચેરીએ ધરણા પર બેઠા

દેશમાં કોરોનાનો કહેર વધ્યો છે. આ વચ્ચે દેશના કેટલાક રાજ્યોમાં ખેડૂતો કૃષિ કાયદાને લઇને વિરોધ કરી રહ્યાં છે. તો બીજી તરફ રાજ્યના ખેડૂતો પણ કેટલીક સમસ્યાઓને લઇને મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં બનાસકાંઠામાં આવેલા દિયોદરમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન મળતા આજે ખેડૂતો રોષે ભરાતા ધરણા પર બેઠા હતા.

ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ સિંચાઇ માટે ખેડૂતોને કેનાલ દ્વારા પાણી ન આપતા ખેડૂતો નાયબ કલેક્ટર કચેરી આગળ ધરણા પર બેસી ગયા છે. સાથે જ જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી સુજલામ સુફલામ કેનાલ પસાર થાય છે, પરંતુ સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી ન મળતા અહીંના ખેડૂતોની હાલત દિવસે દિવસે કફોડી બનતી જાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે. અત્યારે સ્થિતિ એવી બને છે કે 1000 ફૂટ સુધી પણ પાણી મળતું નથી.

તો બીજી બાજુ નર્મદા નિગમ દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તો આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ મળી રહે. તે માટે અહીંના ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતું નથી. જેના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થાય છે, જેથી સરકાર સામે રોષે ભરાયેલા ખેડૂતો આજે નાયબ કલેક્ટર કચેરીમાં ધસી આવ્યા હતા.

જેમાં ખેડૂતો ઢોલ વગાડતા વગાડતા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી ઘરણા પર બેસી ગયા હતા. આ ઉપરાંત જ્યાં સુધી કેનાલમાં પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.