///

ખેડૂતો ઉગ્ર બનતા મોડી રાત્રે ટોલ નાકા ફ્રી કરાવ્યા, જુઓ VIDEO

કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદા બિલના વિરોધમાં ખેડૂતો છેલ્લા 17 દિવસથી સતત પ્રદર્શન કરી રહ્યાં છે. આ વચ્ચે સરકાર અને ખેડૂતો વચ્ચે હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી. ખેડૂતોએ ગઇકાલે ઉગ્ર થતા કહ્યું હતું કે દેશના ટોલ ફ્રી કરાવશે જેના ભાગરૂપે ગઇકાલે મોડીરાત્રીના ખેડૂતોએ કરનાલ પાસે આવેલુ બસ્તારા ટોલ પ્લાઝા બંધ કરાવ્યો હતો.

ખેડૂતોએ ટોલ પ્લાઝા ફ્રી કરાવશું તેવા સંકેત બાદ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આજે અંબાલાના શંભુ ટોલ પ્લાઝા પરથી પણ ફ્રી ટોલ દ્વારા વાહનો આગળ વધી રહ્યાં છે.

નવા કૃષિ કાયદાને રદ્દ કરવાની માગને લઈને ધરણા આપી રહેલા ખેડૂત આંદોલનનો આજે 17મો દિવસ છે. ખેડૂતોએ આજે શનિવારે દિલ્હીને જોડનારા રસ્તાઓને જામ કરવાનો નિર્ણય લીધો છે. કિસાનો છઠ્ઠા રાઉન્ડની વાતચીત નિષ્ફળ રહ્યાં બાદ 12 અને 14 ડિસેમ્બરે કંઈક મોટું કરવાના સંકેત આપ્યાં હતાં.

ખેડૂતો 12 ડિસેમ્બર એટલે કે આજે શનિવારે દિલ્હી-જયપુર હાઈવેને બંધ કરશે. ખેડૂતોએ આજે શનિવારે દિલ્હી-આગ્રા એક્સપ્રેસ વે ને પણ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય ખેડૂતો દેશના તમામ ટોલ પ્લાઝાને પણ ફ્રી કરાવશે.

પોલીસ બળ તૈનાત
ખેડૂતોના આંદોલનને જોતા દિલ્હીની આસપાસ આજે શનિવારે મોટી સંખ્યામાં પોલીસની તૈનાતી કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે કોઈ પ્રકારની ઘટનાની સ્થિતિમાં તે અપરાધિક કલમ હેઠળ કાર્યવાહી કરશે. ગુરૂગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમબુદ્ધનગરમાં તમામ નેશનલ હાઈવે પર મોટી સંખ્યામમાં પોલીસ તૈનાત કરવામાં આવી રહી છે. આ સાથે પ્રદર્શનકારીઓ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે.

કેન્દ્ર સરકારે હવે નવા કૃષિ કાયદા પર ખેડૂતોના ભ્રમને તોડવાની તૈયારી શરૂ કરી દીધી છે. પાર્ટીએ નિર્ણય લીધો છે કે તે દેશભરમાં લોકોની વચ્ચે પહોંચીને કૃષિ કાયદાના ફાયદા ગણાવશે. પાર્ટી આ માટે આશરે 100 બેઠકોનું આયોજન કરશે. જેમાં તે કેન્દ્રએ બનાવેલા કૃષિ કાયદાના પક્ષમાં પ્રચાર કરશે.

વડાપ્રધાન મોદીએ ખેડૂતોને કૃષિ પ્રધાનને સાંભળવાની કરી અપીલ
વડાપ્રધાન મોદીએ પણ ગઇકાલે શુક્રવારે એક ટ્વિટ કરી ખેડૂતોને કૃષિ પ્રધાનની વાત સાંભળવાની અપીલ કરી છે. તેઓએ કેન્દ્રીય કૃષિ પ્રધાન અને વાણિજ્ય પ્રધાનની પત્રકાર પરિષદની લિંક શેર કરીને લખ્યું કે, ‘મંત્રીમંડળના મારા બે સહયોગી નરેન્દ્ર સિંહ તોમર અને પિયુષ ગોયલે કૃષિ કાયદા અને ખેડૂતોની માગોને લઈને વિસ્તારથી વાત કરી છે. એકવાર તેને જરૂર સાંભળવી જોઈએ.’

ભારતીય ખેડૂત યૂનિયને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
આ વચ્ચે ભારતીય ખેડૂત યૂનિયને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરી છે, જેમાં નવા કૃષિ કાયદાને આપદા ગણાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટમાં ખેડૂતોના આંદોલનને રસ્તાથી હટાવી અને અન્ય સ્થાને લઈ જવાની અરજી હજુ પેન્ડિંગ છે.

Leave a Reply

Your email address will not be published.