///

દિલ્હી ચલો માર્ચ હેઠળ પંજાબ અને હરિયાણાના ખેડૂતોને પ્રદર્શન કરવાની મંજૂરી મળી

દેશની રાજધાનીમાં ખેડૂતોની એન્ટ્રી બંધ છે. દિલ્હી ચલો માર્ચ હેઠળ પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂત દિલ્હી ખાતે નિકળી પડ્યા છે. હરિયાણામાં કેટલાક સ્થાનો પર ખેડૂતોને રોકવામાં આવ્યા છે. તેમ છતા પણ ખેડૂત રોકાતા તેના પર ટીયર ગેસ અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. બોર્ડર પર સઘન ચેકિંગ અભિયાનથી ટ્રાફિક વ્યવસ્થા પર અસર પડી છે. તો એનસીઆરના શહેરોમાં દિલ્હીથી મેટ્રો સેવા બંધ રહેવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ તકે ગુડગાંવ, નોઇડા, ગાઝિયાબાદથી દિલ્હી આવનાર લોકોએ ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી અને પંજાબની સરકારો ખુલીને આંદોલનના સમર્થનમાં આવી ગઈ છે. ટિકરી બોર્ડર, સિંધુ બોર્ડર, પંજાબ હરિયાણા બોર્ડર પર ઘર્ષણ થયું ત્યારબાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને પાણીનો મારો ચલાવ્યો છે.

આંદોલનકારી ખેડૂતો દિલ્હીમાં પ્રવેશી ચુક્યા છે. કેટલાક ખેડૂત 7 આરસીઆર સ્થિત પ્રધાનમંત્રી આવાસ સુધી પહોંચી ચુક્યા છે. જાણવા મળી રહ્યું છે કે પીએમ હાઉસ સુધી જનારામાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ સામેલ હતાં. પોલીસે ખેડૂતો અને આપ નેતાને હટાવ્યાં છે.

દિલ્હી પોલીસની અરજી નામંજૂર કરતા આપ સરકારે કહ્યું કે, કિસાનોની માગ વ્યાજબી છે. દિલ્હીના ગૃહપ્રધાન સત્યેન્દ્ર જૈન તરફથી જારી નિવેદન અનુસાર, અહિંસક રીતે આંદોલન કરતા ખેડૂતોને જેલમાં ન મોકલી શકાય.

બીજી તરફ પંજાબ સીએમઓ તરફથી જારી નિવેદન અનુસાર, કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્રને વિનંતી કરી છે કે તત્કાલ ખેડૂતો સાથે વાતચીત કરી સ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરે.

આ વચ્ચે દિલ્હી પોલીસે ખેડૂતોને બુરાડીના નિરંકારી ગ્રાઉન્ડમાં એકઠા થવાની મંજૂરી આપી છે. પોલીસનું કહેવું છે કે ખેડૂત અહીં એકઠા થઈ પ્રદર્શન કરી શકે છે.

જ્યારે ખેડૂતોને બોર્ડર પાર કરવાની મંજૂરી મળવાના સમાચાર આવ્યા તો ત્યાં બબાલ શરૂ થઈ ગઈ હતી. જેમાં ખેડૂતો તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને બેરિકેડ તોડવામાં આવ્યા હતાં. જવાબમાં પોલીસે વોટર કેનનો ઉપયોગ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.