///

Farmers Protest: ખેડૂતોની કૃષિ કાયદાના વિરોધમાં આજે ભૂખ હડતાળ, કેજરીવાલ પણ કરશે ઉપવાસ

નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 19 દિવસથી દિલ્હી-હરિયાણા સિંઘુ બોર્ડર પર ધરણા ધરી રહેલા હજારો ખેડૂતોએ પોતાનું આંદોલન ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. તે જ રીતે આજે સોમવારે પણ ખેડૂત નેતા સિંઘુ બોર્ડર પર ભૂખ હડતાળ કરશે. તે દરમિયાન દેશની રાજધાની દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ખેડૂતોનું સમર્થન કરતા સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી ભૂખ હડતાળ કરવાનો નિર્ણય લીધો છે.

સીએમ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયાના માધ્યમથી પાર્ટી કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે ખેડૂતોની આ માંગણીઓના સમર્થનમાં ઉપવાસ રાખવાની અપીલ કરી છે. ત્યારબાદ આપ સરકારના પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું કે પાર્ટીના તમામ પદાધિકારી, વિધાયક અને કોર્પોરેટર સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી ITO સ્થિત પાર્ટી કાર્યાલય પર સામૂહિક ઉપવાસ કરશે. આમ આદમી પાર્ટી ખેડૂતોની માંગણીઓના સમર્થનમાં સંપૂર્ણ રીતે ખેડૂતોની સાથે છે.

મહત્વનું છે કે નવા કૃષિ કાયદા અંગે ખેડૂતોનું વલણ હજુ પણ મક્કમ છે. ગત શુક્રવારે તેઓએ કહ્યું કે અમે કાયદો રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું. ગામથી લોકો નીકળી પડ્યા છે. અમે આંદોલન હજુ મોટું કરીશું. સરકાર ભલે ફૂટ નાખવાની કોશિશ કરતી રહે. બોર્ડર પર બેરિકેડિંગ કરે. પરંતુ અમે તેને તોડી નાખીશું. અમે સરકારને સ્પષ્ટ કહી દીધુ છે કે કાયદો રદ કરવો પડશે. સંશોધન મંજૂર નથી.

ખેડૂતોના આંદોલન ઉગ્ર બનાવવાના એલાન બાદ દેશની રાજધાની દિલ્હીની સિંઘુ બોર્ડર પર પોલીસે સુરક્ષા વધારતા સીમેન્ટ બેરિકેડ પર સાંકળ સાથે તાળા માર્યા છે. જેથી કરીને બેરિકેડ હટાવી શકાય નહીં. ઉલ્લેખનિય છે કે પોલીસે સુરક્ષાને લઈને પહેલેથી માટીથી ભરેલા ડંપર, બેરિકેડ અને ત્યારબાદ સીમેન્ટના બેરિકેડ લગાવી રાખ્યા છે. એટલું જ નહીં આ થ્રી લેયર પ્રોટેક્શન બાદ રેપિડ એક્શન ફોર્સ (RAF) અને BSFના જવાનોની પણ તૈનાતી કરાઈ છે.

નોંધનીય છે કે કેન્દ્ર સરકાર અને 40 ખેડૂત સંઘોના પ્રતિનિધિઓ વચ્ચે પહેલા થયેલી પાંચ રાઉન્ડની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નથી. કૃષિ કાયદાની કેટલીક જોગવાઈઓમાં સંશોધન માટે સરકારના ડ્રાફ્ટ પ્રસ્તાવને ખેડૂત નેતાઓએ ફગાવી દીધો અને બેઠકમાં ભાગ લેવાનો ઈન્કાર કર્યા બાદ છઠ્ઠા રાઉન્ડની વાતચીત થઈ નહતી. જો કે સરકારે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ પણ સમયે ચર્ચા માટે તૈયાર છે. જ્યારે ખેડૂત સંગઠનોએ કહ્યું કે તેઓ વાતચીત માટે ત્યારે જ આવશે જ્યારે કાયદો રદ થશે.

કેન્દ્રીય પ્રધાન કૈલાશ ચૌધરીએ રવિવારે કહ્યું કે સરકાર જલદી એક તારીખ નક્કી કરીને ખેડૂત સંઘના નેતાઓને આગામી રાઉન્ડની વાતચીત માટે બોલાવશે. ચૌધરીએ વધુમાં કહ્યું કે ગતિરોધ ખતમ કરવા માટે સરકાર કોઈ સમાધાન શોધશે. અમને પૂરેપૂરો ભરોસો છે. આગામી બેઠકમાં આ મુદ્દો ઉકેલાઈ જશે. કૃષિ રાજ્યપ્રધાન ચૌધરીએ કહ્યું કે વરિષ્ઠ પ્રધાન અમિત શાહ અને નરેન્દ્ર સિંહ તોમર આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.