///

ખેડૂતોનું ‘ચલો દિલ્હી’ આંદોલન: દેશની રાજધાનીની તમામ સરહદો પર ચાંપતો બંદોબસ્ત

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા પંજાબના ખેડૂતો ચલો દિલ્હી માર્ચ અંતર્ગત દિલ્હીની નજીક પહોંચી ગયા છે, ત્યારે શહેર પોલીસ દ્વારા દેશની રાજધાનીની તમામ સરહદો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ખેડૂતોના આંદોલનની વ્યાપક અસર જોવા મળી રહી છે. તો ખેડૂતો પર ટિયર ગેસ અને વૉટર કેનનનો ઉપયોગ કરવા છતાં ખેડૂતો દિલ્હી આવવા માટે અડગ છે. મોડી રાત સુધી ખેડૂતો પાનીપત પહોંચી ચૂક્યા હતા. સાથે જ તમામ પ્રતિબંધોને નજરઅંદાજ કરતા ખેડૂતો સતત દિલ્હી તરફ કૂચ કરી રહ્યાં છે. આજે પણ ખેડૂતોના પ્રદર્શનની અસર મેટ્રો સેવાઓને થશે.

મોડી રાત્રે પાનીપત પહોંચ્યા બાદ ખેડૂતો અહીંના ટૉલ પ્લાઝા પર ટૉલ બેરિયર નજીક રસ્તા પર સૂઈ ગયા હતા. આ પ્રદર્શનમાં સામેલ ખેડૂતના જણાવ્યા મુજબ, તેઓ સાથે ભોજન લઈને આવ્યા છે. સાથે જ તેમની પાસે સ્ટવ અને રસોઈના અન્ય સામાન પણ છે. તો ઠંડીની મોસમથી બચવા ધાબળા પર લઈને આવ્યા છે. બીજી તરફ દિલ્હી પોલીસે ખેડૂતોના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તમામ સરહદો પર સુરક્ષા વધારી દીધી છે.

આ અંગે પોલીસનું કહેવું છે કે, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો જો દિલ્હીની સરહદ પર પહોંચી જશે, તો પણ તેમને શહેરમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. આ પ્રદર્શનમાં સામેલ પંજાબ અને હરિયાણાના ખેડૂતોમાંથી અનેક લોકો દિલ્હીની નજીક પહોંચી ચૂક્યાં છે. પંજાબના ખેડૂતોની ‘ચલો દિલ્હી’ કૂચને પગલે શહેર પોલીસે અનેક રસ્તાઓ પર અવરજવર બંધ કરી છે, જ્યારે કેટલાક રૂટને ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.