સેન્ટર ઓફ ટ્રેડ યુનિયન્સની ગુજરાત કિસાન સભાના રાજ્યના અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદ જિલ્લાના 50 ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર કૃષિ બિલ રદ કરવાની માગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન આપવા માટે કુચ કરી છે.
અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદના 50 ખેડૂતોએ રવિવારે દિલ્હી તરફ કૂચ કરી હતી. આ ખેડૂતો દિલ્હી ખાતે કૃષી બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદલનમાં જોડાશે. ખેડૂતોના જણાવ્યાં અનુસાર, ભાજપ સરકાર બિન લોકશાહી પદ્ધતિ અપનાવી ખેડૂતોને અવાજ દબાવવા માગે છે, પરંતુ ખેડૂતો કોઇપણ ભોગે જિલ્લામથકોમાંથી તબક્કાવાર દિલ્હી બોર્ડર પહોંચશે અને આંદોલનમાં ભાગ લેશે. આ ઉપરાંત ખેડૂતોએ 3 કૃષિ કાયદા રદ કરવાની માગ સાથે દિલ્હીમાં ગુજરાત મોડલનો ભાંડો ફોડવાની ચીમકી ઉચ્ચારી છે.
કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતના ખેડૂત સંગઠનો પણ મેદાને પડ્યા છે. ગત મંગળવારના રોજ ભારત બંધને અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં આંશીક સફળતા મળી હતી. આ સાથે જ કેટલાક ગામડાઓ સ્વયંભૂ રીતે બંધમાં જોડાયા હતાં. આ ઉપરાંત માર્કેટયાર્ડ, એપીએમસી બંધ રહ્યા હતાં. જિલ્લાના ભિલોડામાં જાહેર બજારો પણ બંધ રહેતા સજ્જડ બંધ રહ્યું હતું. આ સાથે જ ભિલોડામા કોંગ્રેસના કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં રોડ પર આવી ઠેર ઠેર ચક્કાજામ કર્યો હતો.