///

દિલ્હીના 5 પોઈન્ટ પર કિસાનોના ધરણા, સરકારને આપી આ ચેતવણી

દેશની રાજધાની દિલ્હીની સરહદ પર કિસાનોનું પ્રદર્શન યથાવત છે. દિલ્હી-યૂપી બોર્ડર પર કિસાનોના પ્રદર્શનમાં રાતભર દેશભક્તિના ગીત વાગ્યા હતાં. કિસાનો દ્વારા હવે નવો નારો ‘દિલ્હી ચલો’ નહીં પરંતુ દિલ્હી ઘેરો આપવામાં આવ્યો છે. દિલ્હીના પાંચ પોઈન્ટ પર હવે કિસાનો ઘરણા ચાલુ રાખશે.

કિસાન આંદોલનના પાંચ દિવસ બાદ પણ કિસાનોના ધરણા યથાવત છે. સરકાર વાતચીત માટે તૈયાર છે. પરંતુ કિસાન દિલ્હી બોર્ડર પર છે અને કહ્યું કે, વાતચીત અહીં થશે. કિસાન ન તો દિલ્હી પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રદર્શન સ્થળ જઈ રહ્યાં છે ન દિલ્હી બોર્ડરથી હટી રહ્યાં છે. કિસાનોની આ જાહેરાત બાદ સરકારની ચિંતા વધી છે.

રવિવારે કિસાન સંગઠનોની બેઠક બાદ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, કિસાન પ્રદર્શન માટે બુરાડી જશે નહીં અને દિલ્હીની ઘેરાબંધી માટે 5 પોઈન્ટ પર ધરણા આપશે. કિસાનોની માગ છે કે સરકાર કોઈ શરત વગર તેની સાથે વાતચીત કરે અને તેમને રામલીલા મેદાન કે જંતર મંતર પર આંદોલન કરવાની મંજૂરી આપે.

આ તકે કિસાન નેતાઓનું કહેવું છે કે તેમની પૂરી તૈયારી છે અને જરૂર પડી તો તેમની પાસે આગામી ચાર મહિના ધરણા આપવાની વ્યવસ્થા છે. કિસાનોની જાહેરાત બાદ સરકારની ચિંતામાં વધારો થયો છે.

કિસાનોની આ ચેતવણી વચ્ચે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ઘર પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ સિવાય રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર સામેલ થયા હતાં. મળતી માહિતી મુજબ આ બેઠક આશરે બે કલાક ચાલી હતી. ઉલ્લેખનિય છે કે આ પહેલા વડાપ્રધાન મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમા કહ્યું હતું કે, આ કૃષિ સુધારાએ કિસાનોને નવા અધિકાર અને અવસર આપ્યા છે અને ખુબ ઓછા સમયમાં તેમની મુશ્કેલીઓને ઓછી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમ છતા પણ કિસાનોનો ગુસ્સો શાંત પડ્યો નથી અને ધરણા યથાવત રાખ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.