///

Farmers Protest: ખેડૂતોના આંદોલનને લઈને અભિનેતા સની દેઓલે કહ્યું કે,…

કૃષિ કાયદાના વિરૂદ્ધમાં દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર હવે પંજાબના ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સની દેઓલે કહ્યું છે કે, તેઓ પાર્ટી અને ખેડૂતોની સાથે પૂરેપૂરી તાકાતથી ઊભા છે. તેમને આશા છે કે, સરકાર આ આંદોલનનું કોઈને કોઈ તાર્કિક સમાધાન કાઢવામાં સફળ રહેશે.

બોલીવુડના દિગ્ગજ અભિનેતામાંથી રાજનેતા બનેલા સની દેઓલે ખેડૂત આંદોલનના સમર્થનના નામ પર કેટલાક દેશોમાં થઈ રહેલા પ્રદર્શન પર નિશાન સાધ્યું છે. જેમાં સની દેઓલે કહ્યું કે, હું સમગ્ર દુનિયાને આગ્રહ કરવા માંગુ છું કે આ અમારા ખેડૂતો અને સરકાર વચ્ચેનો મામલો છે. તેઓ બંને મળીને આ સમસ્યાનો કોઈને કોઈ ઉકેલ લાવી દેશે, આથી કોઈએ તેમની વચ્ચે આવવાની જરૂર નથી. હું જાણું છું કે, અનેક લોકો આ તકનો ફાયદો ઉઠાવવા માટે સતત સમસ્યા વધારી રહ્યા છે. તેમને ખેડૂતો સાથે કોઈ લગાવ નથી. તેઓ તેની આડમાં પોતાનો એજન્ડા ચલાવવાનો પ્રયત્ન કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે, અભિનેતા દીપ સિદ્ધુ ચૂંટણી સમયે મારી સાથે હતો. પરંતુ છેલ્લા કેટલાય સમયથી મારી સાથે સંપર્કમાં નથી. એવામાં જો તે મારા નામે કોઈ નિવેદન આપી રહ્યો હોય તો તે દીપ સિદ્ધુનું નિવેદન ગણવામાં આવે. અત્રે જણાવવાનું કે દીપ સિદ્ધુ તાજેતરમાં હરિયાણામાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વખતે ચર્ચામાં આવ્યો હતો. ત્યારે તેણે ખાલિસ્તાન બનાવવાના લઈને નિવેદન આપ્યું હતું. તેના નિવેદનનો આ વીડિયો પછીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.

તો બીજી બાજુ દિલ્હીની બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે 12મો દિવસ છે. ખેડૂત સંગઠનોએ પોતાની માગણીઓ પર અડગ રહીને 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ બાજુ કેન્દ્ર સરકાર આ મુદ્દે કોઈ તાર્કિક ઉકેલ લાવવા માટે સતત ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરી રહી છે. ખેડૂતો સાથે આગામી રાઉન્ડની વાતચીત 9 ડિસેમ્બરે થશે.

Leave a Reply

Your email address will not be published.