///

નવા વર્ષની શરૂઆતથી FASTag ફરજિયાત, નિતિન ગડકરીએ કરી જાહેરાત

કેન્દ્રીય પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ ગઇકાલે ગુરુવારે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી, 2021ના રોજથી દેશમાં તમામ વાહનો માટે FASTag આવશ્યક થઇ જશે.

આ તકે કેન્દ્રિય પરિવહન પ્રધાનનું કહેવુ છે કે આ યાત્રિઓ માટે ઉપયોગી છે કારણ કે તેમને રોકડ ચુકવણી, સમયની બચત અને ઈંધણ માટે ટોલ પ્લાઝા પર રોકાવવાની જરૂર નહીં પડે. પરિવહન પ્રધાને જણાવ્યું કે ટોલ નાકા પર અત્યાર સુધી જે છૂટછાટ વાહનોને અપાઇ રહી હતી, તે હવે બંધ કરવામાં આવશે. વર્ષ 2021ના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીના રોજથી તમામ વાહનો માટે FASTag ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આ વર્ષે નવેમ્બરમાં એક જાન્યુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટેગ સિસ્ટમ આવશ્યક કરવા સંબંધી જાહેરનામું બહાર પાડ્યુ હતું. ફાસ્ટેગ સિસ્ટમ 2011માં લાગૂ કરવામાં આવી હતી અને 2018 સુધી 34 લાખથી વધુ વાહન ફાસ્ટેગનું ઉપયોગ કરી રહ્યા હતાં. વર્ષ 2017 બાદ ખરીદવામાં આવતા તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું કે આ વ્યવસ્થાના કારણે તમામ વાહનોને ટોલ પ્લાઝા પર ટોલની રોકડ ચુકવણી માટે રોકાવવું નહીં પડે અને યાત્રામાં સમય બચી જશે.

કેન્દ્રએ FASTag ઇશ્યુ કરવા માટે 22 બેન્કોને સત્તા આપી છે. જે બેન્કોને FASTags ઇશ્યુ કરવાની મંજૂરી આપી છે, તેમાં એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, આઈડીએફસી બેન્ક, ભારતીય સ્ટેટ બેન્ક, એચડીએફસી બેન્ક, કરુર વૈશ્ય બેન્ક, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, સિન્ડિકેટ બેન્ક, ફેડરલ બેન્ક, સાઉથ ઈન્ડિયન બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપ બેન્ક, સારાવત બેન્ક, સિટી યુનિયન બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, યસ બેન્ક, યુનિયન બેન્ક, નાગપુર મ્યુનિસિપલ કોઓપરેટિવ બેંક લિમિટેડનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.