////

દિવાળી તહેવારો વચ્ચે ડેંગ્યુ અને મેલેરીયા વકરવાની સર્જાઈ ભીતિ..

દિવાળીના તહેવારના દિવસો નજીક આવી રહ્યા છે અને સાથે સાથે આ વર્ષે કોરોનાનો ખતરો પણ યથાવત છે, ત્યારે તહેવારોમાં ખતરનાક મચ્છરોથી ફેલાતા ડેંગ્યુ અને મેલેરીયાના કેસ પણ વધવાનો ડર પણ છે. અત્યાર સુધી મચ્છરથી ફેલાતો રોગચાળો પ્રમાણમાં નિયંત્રણમાં રહ્યા બાદ ચાલુ મહિને તેમજ આવતા તહેવારમાં રોગચાળો વધે તેવી ચિંતા અમુક ખાનગી કલીનીકમાં વધતા કેસ પરથી લાગી રહી છે.

ઉપરાંત આ વર્ષે ચોમાસુ ખુબ લંબાયુ હતું જેના કારણે છેલ્લા અઠવાડિયા સુધી ડેમોમાં પાણીની આવક ચાલુ રહી હતી. હવે દર વર્ષનો ટ્રેન્ડ એવો છે કે ચોમાસા બાદ અને દિવાળી પહેલાના દિવસોમાં ડેંગ્યુ ફેલાવતા એડીસ મચ્છરનો ઉપદ્રવ વધે છે. તે કારણે મનપાની આરોગ્ય અને મેલેરીયા શાખા શહેરના હોસ્પિટલો, મોલ, બાંધકામ સાઇટ સહિતની જગ્યાએ ચેકીંગમાં ઉતરી પડી છે.

તો અનેક જગ્યાએ મચ્છરના ઉપદ્રવ બદલ દંડ પણ ફટકારવામાં આવે છે. વધુમાં દિવાળી સુધીના અને તે બાદના રજાના દિવસો સહિત એક મહિનો ડેંગ્યુ અને મેલેરીયા ફેલાવતા મચ્છરો માટે વસતિ વધારો કરે તેવો હોય છે. આથી લોકોએ પણ સાવધ રહેવું પડશે. ગત વર્ષે પણ તહેવારના આ જ દિવસોમાં ડેંગ્યુ, મેલેરીયા વધ્યો હતો. આ વર્ષે કોરોનાના કારણે ઘણા લોકો તો આવા નિદાન પણ નહીં કરાવતા હોવાનું માનવામાં આવે છે.

ચાલુ વર્ષે પણ આ પ્રકારની સ્થિતિ ન થાય તે માટે લોકો અને આરોગ્ય તંત્રએ સતર્કતાના વધુ પગલા લેવા પડશે. અન્યથા કોરોનાની ચિંતા વચ્ચે ડેંગ્યુ, મેલેરીયા ફેલાવવાનો ખતરો વધવાની ચિંતા અમુક ખાનગી ડોકટરો વ્યકત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.