///

‘આટલી ખુબસૂરત છે તો પણ બસ ડ્રાઈવિંગ?’, લોકોના વાકપ્રહારોથી પરેશાન થઈ ગઈ આ યુવતી

જો તે મેકઅપ કરીને ડ્રાઈવિંગ કરે તો લોકો વિચારે છે કે, તે તેમને ઈમ્પ્રેસ કરી રહી છે અને મેકઅપ ન કરે તો થાકેલી શા માટે લાગે છે તેવા સવાલો કરે છે.

એક યુવતીએ જોબ માટે બસ ડ્રાઈવરનું પ્રોફેશન પસંદ કર્યું પરંતુ કેટલાક લોકોને આ વાત પસંદ નથી આવી રહી. આ કારણે તે યુવતીએ સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી રજૂ કરી હતી. તેણે પોતાની કામગીરી દરમિયાન જે સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે તેનો એક વીડિયો શેર કર્યો છે.

હકીકતે બસ ડ્રાઈવર ચાર્મને ઈજાબેલાને ભલે પોતાનું કામ પસંદ હોય પરંતુ કેટલાક લોકોને તેના આ કામને લઈ ખૂબ જ તકલીફ છે. ઈજાબેલાએ પોતાના ટિકટોક એકાઉન્ટ @charsbusbanter પર પોતાની આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, કામ દરમિયાન લોકો તેને ‘અતિ સુંદર’ અને ‘મેકઅપ પર ધ્યાન આપવાવાળી’ કહીને મહેણાં મારે છે.

ઈજાબેલાના કહેવા પ્રમાણે તેને બસ ડ્રાઈવિંગનું કામ ખૂબ જ પસંદ છે પરંતુ તેના લુક્સને કારણે લોકો તેને એ કામ છોડી દેવાની સલાહ આપે છે. લોકોના કહેવા પ્રમાણે બસ ડ્રાઈવિંગનું કામ કરવાના હિસાબે તે કંઈક વધારે પડતી ખુબસૂરત છે. મેકઅપ કર્યા બાદ તો તે લોકોનું ધ્યાન કંઈક વધારે પડતું જ આકર્ષે છે.

ઈજાબેલાએ જણાવ્યું કે, જે લોકોને તેના કામથી કોઈ મતલબ ન હોય તેવા કેટલાય લોકો તેને દરરોજ જાતજાતના સવાલો કરે છે. મોટા ભાગના લોકો કટાક્ષભર્યા અંદાજમાં કોમેન્ટ્સ કરે છે. જો તે મેકઅપ કરીને ડ્રાઈવિંગ કરે તો લોકો વિચારે છે કે, તે તેમને ઈમ્પ્રેસ કરી રહી છે અને મેકઅપ ન કરે તો થાકેલી શા માટે લાગે છે તેવા સવાલો કરે છે.

Leave a Reply

Your email address will not be published.