////

અંગદાન.. જીવનદાન : છેલ્લા 21 દિવસમાં દક્ષિણ ગુજરાતમાંથી પાંચમું અંગદાન

‘કી મર કે ભી કિસીકો યાદ આયેંગે, કિસી કે આંસુઓ મેં મુસ્કુરાયેંગે, કહેગા ફુલ હર કલી સે બાર-બાર, જીના ઈસીકા નામ હૈ..’ સુપરસ્ટાર રાજ કપૂરની અનાડી ફિલ્મની આ પંક્તિઓને સાર્થક કરતા સુરતવાસી બ્રેઈનડેડ સ્વ.ગીતેશ મોદીના પરિવારે તેમના અંગોનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપીને તેમના પરિવારજનોના મુખ પર સ્મિત રેલાવ્યુ છે. ઓર્ગન ડોનેશન માટે પ્રખ્યાત સુરતની સંસ્થા ડોનેટ લાઈફના સ્વયંસેવક સ્વ.ગીતેશભાઈ દુનિયાને અલવિદા કર્યા બાદ પણ અન્યોમાં સદેહે જીવંત રહેશે. સુરતી મોઢ વણિક સમાજના મોદી પરિવારે પોતાના સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી માનવતાની મહેંક ફેલાવી સમાજને નવી દિશા ચીંધી છે. છેલ્લા ૨૧ દિવસમાં સુરત અને અંકલેશ્વરથી પાંચમું અંગદાન થયું છે.

ગીતેશભાઈ જીવતેજીવ ડોનેટ લાઈફના માધ્યમથી સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિના કાર્યમાં સેવારત હતાં. તેઓ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓ અને તેમના પરિવારને સહાયરૂપ થવાના અનેક કાર્યમાં નિમિત્ત બન્યાં, પરંતુ આ જ રસ્તે ચાલી તેઓ મૃત્યુ પામીને પણ અંગદાન થકી બીજા પાંચ વ્યક્તિઓને નવું જીવન આપતાં ગયાં.

સ્વ.ગીતેશ મોદીને ૨૩ જુનના રોજ રોડ અકસ્માતમાં મગજમાં ગંભીર ઈજા થતા સુરતની વિનસ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં. ૪ દિવસની સારવાર બાદ ૨૭ જુનના રોજ ડોક્ટરોએ બ્રેઈનડેડ જાહેર કરતા તેમની પત્ની રિન્કુ અને પરિવારે ગીતેશના અંગદાનનો નિર્ણય લીધો. બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારને અંગદાન માટે સમજાવવા પડતાં હોય છે, પણ મોદી પરિવાર અંગદાનથી સુપેરે પરિચિત હતો. જે કાર્ય માટે ગીતેશભાઈ સમર્પિત હતાં, એ જ કાર્યની જવાબદારી નિભાવવાની ક્ષણ આવી, પણ મોદી પરિવારે જરાય વાર લગાડ્યા વિના સંમતિ આપી. પોતાના સ્વજનના અંગદાન થકી પોતાની માતૃસંસ્થા ડોનેટ લાઈફના માધ્યમથી ગીતેશની બે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું. જેના દ્વારા પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું.

સ્વ.ગીતેશની એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) હોસ્પિટલમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં જ્યારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરતની વિનસ હોસ્પિટલથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધીના ૨૭૪ કિ.મિ.ના માર્ગને ગ્રીન કોરિડોર બનાવાયો હતો, જેમાં રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

નોંધનીય છે કે, કોવિડ મહામારીની બીજી લહેર પછી દેશભરમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછું રહ્યું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા ૨૧ દિવસમાં દક્ષિણ ગુજરાતમાંથી પાંચ બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાન કરાયા છે. તેમના પરિવારજનોને સમજ આપી ૨ હૃદય, ૨ ફેફસાં, ૧૦ કિડની, ૫ લિવર અને ૮ ચક્ષુઓ સહિત કુલ ૨૭ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ ૨૭ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

Leave a Reply

Your email address will not be published.