///

રાજપીપળામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, તલવાર-ધારીયા ઉડ્યા

નર્મદા જિલ્લામાં આવેલા રાજપીપળા ખાતે લાભ પાંચમની સાંજે શહેરના સિંધીવાડમાં એક જ જ્ઞીતિના બે જૂથ વચ્ચે બબાલ થતા મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, તો આ બબાલમાં તલવાર-ધારીયા ઉછળતા મામલો વધુ ન ગરમાય એ માટે સિંધીવાડ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલાને સારવાર અર્થે લોહીલુહાણ હાલતમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં પણ લોકોના ટોળા ઉમટી પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મામલે રાજપીપળા પોલીસે સામ-સામે બન્ને પક્ષોની ફરિયાદ લઈને 11 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજપીપળા સિંધી વાડમાં આ બનાવ અગાઉના કોઈક ઝઘડા બાબતે બન્યો હોવાનું જણાયું છે. રાજપીપળા પોલીસ મથકમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ આજથી એકાદ વર્ષ પહેલાં મહેબૂબ ખાન પઠાણ સિંધી વાડ વિસ્તારમાંથી પસાર થતા હતા દરમિયાન ઈમ્તિયાઝ અજિજ શેખે કૂતરાને મારેલો પથ્થર ઉછળીને મહેબૂબ ખાન પઠાણના માથામાં વાગ્યો હતો, આ મામલે બન્ને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો, જે-તે સમયે સમાધાન પણ થયું હતું. હવે મહેબૂબ ખાન પઠાણનું થોડા દિવસો અગાઉ મૃત્યુ થયું હતું તેઓની પાસે લાયસન્સ વાળી બંદૂક પણ હતી.

ત્યારબાદ અસલમખાન અલીમ ખાન પઠાણ અને જબ્બારખાન મહેબૂબ ખાન સાથે સ્વ.મહેબૂબ ખાન પઠાણની બંદૂક જમા કરાવવા જઈ રહ્યા હતા. આ દરમિયાન સિંધિવાડ ખાતે હસન અજિજ શેખ, ઈમ્તિયાઝ અજિજ શેખ, હમીદ અજિજ શેખ, અલ્લારખ્ખા નજીરમિયા શેખ, મુન્નીબેન શેખ તથા શાબેરાબાનું શેખે એમની સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખી ઝઘડો કર્યો હતો.આ ઝઘડાની જાણ થતાં જ યામીન મહેબૂબ ખાન પઠાણ, અલીખાન મહેમુદખાન પઠાણ અને સેહજાત અનવર હુસેન સૈયદ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

આ દરમિયાન હસન અજિજ શેખ, ઈમ્તિયાઝ અજિજ શેખ, હમીદ અજિજ શેખ, અલ્લારખ્ખા નજીરમિયા શેખ, મુન્નીબેન શેખ તથા શાબેરાબાનું શેખે અસલમ અલિખાન પાસેથી બંદૂક ખૂંચવી લેવાનો પ્રયાસ પણ કર્યો હતો અને હસન અજિજ શેખે ધારીયું તથા હમીદ અજિજ શેખે તલવાર વડે માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. તેની સાથે સાથે બંદૂક પણ તોડી નાખી હતી.

આ મામલે રાજપીપળા પોલીસે સામ-સામે બન્ને પક્ષોની ફરિયાદ લઈને 11 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.