///

હવે આ રાજ્યમાં દિવાળીએ ફટાકડા ફોડવા પર મૂકાયો પ્રતિબંધ

હાલમાં કોરોના વાઈરસને લઈને દિલ્હીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. ત્યારે દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર આવી હોવાનું સરકારે સ્વીકાર્યું છે. તો બીજી તરફ શહેર પ્રદૂષણને લીધે હેરાનગતિ પણ ભોગવી રહ્યું છે. ત્યારે દિલ્હીમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે દિલ્હીમાં દિવાળીના પર્વે ફટાકડા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

દિવાળી તહેવાર આવવાને હવે થોડા દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે દિલ્હીમાં દિવાળીના પર્વે ફટાકડા ફોડવાની પરવાનગી આપવામા આવી નથી. આ અંગે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના અને હવા પ્રદૂષણની સમસ્યાને ટાંકતા કહ્યું કે, સમગ્ર દિલ્હીની 2 કરોડ જનતા એક સાથે દિવાળી મનાવશે. જે રીતે આપણે ગત વર્ષ દિવાળી પર ફટાકડા નહીં ફોડવાનો સંકલ્પ કર્યો હતો અને દિલ્હીના દિલ કનોટ પ્લેસમાં ભેગા થઈને ખુશીઓ વહેંચી હતી. એ જ રીતે આ વર્ષે પણ આપણે મળીને દિવાળી ઉજવીશું. પરંતુ ફટાકડા ફોડીને નહીં.

તેમણે વધુમાં જણાવ્યું કે, ચાલુ વર્ષે દિવાળીના દિવસે લક્ષ્મીપૂજનનું શુભ મુહુર્ત સાંજે 7.39 વાગે છે. તો 14 તારીખે સાંજે 7.39 વાગે આપણે ફરી કનોટ પ્લેસમાં ભેગા થઈશું. ત્યાં એક જગ્યાએ લક્ષ્મી પૂજન કરીશું. તો સાથે જ કેટલીક ટીવી ચેનલોથી સીધું પ્રસારણ કરીશું. પંડિતજી મંત્રોચ્ચાર કરશે અને તમે લોકો પોત પોતાના ઘરોમાં લક્ષ્મી પૂજન કરશો. જ્યારે 2 કરોડ દિલ્હીવાસીઓ એક સાથે લક્ષ્મી પૂજન કરશે તો અલગ જ દ્રશ્ય સર્જાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન સરકારે કોરોનાને પગલે ફાટાકડાના વેચાણ તથા આતિશબાજી પર પણ પ્રતિબંધ લાદ્યો છે.

Leave a Reply

Your email address will not be published.