/////

VIDEO : રશિયન કોરોના વેક્સિન ‘સ્પૂતનિક-V’ની પ્રથમ ખેપ ભારત પહોંચી

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ભારતમાં કોરોના વેક્સિનની કમી વચ્ચે રશિયાની “સ્પૂતનિક-વી” કોરોના વિરોધી વેક્સિન આજે ભારત પહોંચી ગઈ છે. “સ્પૂતનિક-વી”ના ભારતમાં આવ્યા બાદ ત્રીજા તબક્કામાં વેક્સિનેશનમાં ઝડપ જોવા મળશે. ભારતમાં 18 થી 44 વર્ષના લોકો માટે ત્રીજા તબક્કાનું વેક્સિનેશન આજથી શરૂ થઈ ગયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

“સ્પૂતનિક-વી”ને ગમાલયા નેશનલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઑફ એપિડેમિયોલૉજી એન્ડ માઈક્રોબાયોલૉજી દ્વારા ડેવલોપ કરવામાં આવી છે. “સ્પૂતનિક-વી” ના બે ડોઝ લેવા જરૂરી છે. પ્રથમ ડોઝ લીધાના 21 દિવસ બાદ બીજો ડોઝ લેવો પડશે. વેક્સિન લીધાના 28 અને 42માં દિવસ વચ્ચે શરીરમાં કોરોના વાઈરસ વિરૂદ્ધ એન્ટિબોડી ડેવલોપ થઈ જશે.

જોકે શરૂઆતમાં આ વેક્સિનની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જો કે બાદમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્રાયલ ડેટાને ધી લાન્સેટમાં પબ્લિશ કરવામાં આવ્યા, ત્યારે તેમાં આ વેક્સિનને સુરક્ષિત અને અસરકારક ગણવામાં આવી. કોવિડ-19ની રશિયલ વૅક્સિન સ્પૂતનિક-વી ત્રીજા તબક્કાના ટ્રાયલમાં 91.6 ટકા અસરકારક સાબિત થઈ અને તેની કોઈ આડઅસર પણ જણાઈ નહતી.

જેના બે મહિના બાદ એપ્રિલ મહિનામાં ભારતે રશિયન વેક્સિન સ્પૂતનિક વીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ગમાલયા ઈન્સ્ટીટ્યૂટનો દાવો છે કે, સ્પૂતનિક-વી કોરોના વિરુદ્ધની અત્યાર સુધીની જેટલી રસી ડેવલોપ કરવામાં આવી છે, તેમાં સૌથી વધુ અસરકારક છે.

Leave a Reply

Your email address will not be published.