///

માછીમારોને વેટમુક્ત ડીઝલ પેટે ચાલુ વર્ષે 65.30 કરોડની સહાય ચૂકવાઇ

રાજ્યના મત્સ્યોદ્યોગ અને પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. માછીમારોને આર્થિક રીતે પગભર કરવા અને મત્સ્યોદ્યોગના વિકાસ માટે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી અનેકવિધ નવતર આયામો રાજ્ય સરકારે અમલી બનાવ્યા છે.

પ્રધાન જવાહરભાઈ ચાવડા દ્વારા સચિવાલય, ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સ મારફતે મત્સ્યોદ્યોગ ખાતાના LOGOનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મત્સ્યોદ્યોગ ખાતાના લોગોનું અનાવરણ કરતા પ્રધાન ચાવડાએ ઉમેર્યુ કે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ માછીમારોના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે.

જેમાં દરિયામાં માછીમારી કરવા માટે માછીમારોને વેટમુક્ત ડીઝલ સહાય પણ ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા ચાલુ વર્ષે અત્યાર સુધી 5 હજાર જેટલા માછીમારોને રૂપિયા 65.30 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

આ ઉપરાંત નાના બોટ ધારકોને કેરોસીન ઉપર સહાય આપવાની યોજના અંતર્ગત અંદાજીત 1900 જેટલા માછીમારોને રૂપિયા 149.08 લાખની સહાય આપવામાં આવી છે. આંતર્દેશીય મત્સ્યોદ્યોગનું ઉત્પાદન વધારવા માટે રાજ્યમાં ઉપલબ્ધ જળાશયો ઈજારા ઉપર આપવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 533 જળાશયો ઈજારા ઉપર આપીને તેમાં મત્સ્ય બીજ સ્ટોકીંગ કરીને ઉત્પાદન મેળવવામાં આવે છે.

આ કાર્યક્રમમાં પ્રધાન દ્વારા મત્સ્યોદ્યોગ ખાતાના અધિકારીઓને વિવિધ યોજનાઓનું અમલીકરણ તથા મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચી શકે? તે અંગેનું માર્ગદર્શન આપ્યુ હતું. મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ નલીન ઉપાધ્યાય દ્વારા અધિકારીઓને પ્રધાનમંત્રી સંપદા યોજનાનો વધુમાં વધુ લાભાર્થીઓ દ્વારા લાભ લેવામાં આવે તે મુજબની કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published.