////

TMCના પાંચ સાંસદ ભાજપમાં સામેલ થઈ શકે છે, અર્જુન સિંહે કર્યો દાવો

આગામી વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય ઉથલ-પાથલ પહેલા જ શરૂ થઇ ગઇ છે. જેમાં મમતા બેનરજીના સૌથી નજીક ગણાતા સીનિયર TMC નેતા શુભેંદુ અધિકારીના ભાજપમાં સામેલ થવાના સમાચાર વચ્ચે એક મોટી જાણકારી સામે આવી છે. ભાજપ સાંસદ અર્જૂન સિંહે દાવો કર્યો છે કે, તૃણમૂલ કોગ્રેસના સીનિયર સાંસદ સોગત રોય સહિત પાંચ સાંસદ, જલ્દી જ ભાજપમાં સામેલ થઇ શકે છે.

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને બેરકપુરના સાંસદ અર્જૂન સિંહે દાવો કરતા જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળના દમદમથી સાંસદ સોગત રોય, ચાર અન્ય સાંસદો સાથે ભાજપમાં સામેલ થઈ શકે છે. સોગત રોય લોકસભાના સભ્ય છે અને મનમોહન સિંહ સરકારમાં પ્રધાન પણ રહ્યા છે. તેઓ ચોથી વખત સાંસદ બન્યા છે, આ પહેલા પણ તે 5 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે.

ભાજપ સાંસદ અર્જૂન સિંહ જગદલ ઘાટ પર છઠ પૂજામાં સામેલ થવા પહોચ્યા હતા, જ્યાં તેમણે આ વાત કહી હતી. અર્જૂન સિંહે કહ્યું કે, હું સતત કહી રહ્યો છું કે, TMCના 5 સાંસદ રાજીનામું આપી શકે છે અને ભાજપમાં સામેલ થઇ શકે છે. શુભેંદુ અધિકારી એક મોટા જનાધાર ધરાવતા નેતા છે. મમતા બેનરજી આજે મોટા નેતા છે, કારણ કે શુભેંદુ અધિકારી અને તેમના જેવા કેટલાક નેતાઓએ સંઘર્ષ કર્યો છે. તેમણે પાર્ટી માટે પોતાનું લોહી આપ્યું છે, પરંતુ હવે મમતા બેનરજી તે બધાનું બલિદાન ભૂલીને પોતાના ભત્રીજાને ખુરશી પર બેસાડવા ઈચ્છે છે. ત્યારે જે રીતે શુભેંદુ અધિકારી જેવા નેતાઓનું અપમાન કર્યુ છે, તેમણે TMC છોડી દેવી જોઇએ.

વધુમાં તેમણે કહ્યું કે, શુભેંદુ અધિકારીના સહયોગીઓને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે, મને કેટલીક વખત પરેશાન કરવામાં આવ્યો છે. ત્યારે મોટા નેતાઓને રોકી નથી શકાતા. શુભેંદુ એક મોટા નેતા છે, તેમનું હંમેશા ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવા જઇ રહી છે. શુભેંદુ જેવા જ ભાજપમાં સામેલ થશે, મમતા સરકાર વધુ દિવસ સુધી રાજ્યમાં ટકી નહી શકે.

Leave a Reply

Your email address will not be published.