/

જસ્ટિસ જી.આર.ઉધવાનીના નિધનને પગલે રાજ્યની તમામ કોર્ટ આવતીકાલે બંધ પાળશે

ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત હાઈકોર્ટના સીટીંગ જજ જસ્ટિસ જી.આર. ઉધવાનીના નિધનના શોકમાં રાજ્યની તમામ કોર્ટ અને તેમની કચેરીઓ બંધ રહેશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ પણ 7મી ડિસેમ્બરથી 11મી ડિસેમ્બર સુધી ઉપલબ્ધ નથી. આ સિવાય જસ્ટિસ જી.આર. ઉધવાનીના 7 અને 8 ડિસેમ્બરના રોસ્ટરમાં લાગેલા કેસ જસ્ટિસ વી.એમ.પંચોલી સાંભળશે.

ગુજરાત હાઈકોર્ટના સિનિયર ન્યાયાધીશ જી.આર. ઉધવાનીનું શનિવારે વહેલી સવારે કોરોનાના કારણે 59 વર્ષની વયે અમદાવાદના સાલ હોસ્પિટલમાં નિધન થયું હતું. અગાઉ તેઓ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પણ રહી ચૂક્યા છે.

ગત મહિને ગુજરાત હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. નોંધનીય છે કે હાલમાં થોડા સમય પહેલા ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવેનું પણ નિધન થયું હતું. જસ્ટિસ જી.આર.ઉધવાનીની વર્ષ 2004માં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. 2011થી 2012 વચ્ચે તેઓ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પણ રહી ચૂક્યા છે.

મૂળ અમદાવાદના વતની જસ્ટિસ જી.આર.ઉધવાનીએ 1986માં એલ.એ લૉ કોલેજમાંથી LLB કર્યું હતું. 1987માં તેઓએ વકીલાત તરીકેની પ્રેક્ટીસ શરૂ કરી હતી.

વર્ષ 1997માં અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટના જજ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

ગત મહિને ગુજરાત હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશને કોરોના થયું હોવાનું સામે આવ્યું હતું. અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટના કેટલાક કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે. જેને લીધે હાઈકોર્ટની કામગીરીને બે-ત્રણ દિવસ માટે સ્થગિત કરી આખા કેમ્પસને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.