///

તૌકતે બાદ વધુ એક વાવાઝોડું દેશને આટોપવા તૈયાર! PM મોદીએ બોલાવી તાબડતોબ બેઠક

તૌકતે બાદ વધુ એક વાવાઝોડું દેશને ઘમરોળવા માટે તૈયાર છે. વાવાઝોડા યાસને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રવિવારે સવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં વાવાઝોડા યાસને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ટેલિકોમ, પાવર, સિવિલ એવિએશન, અને અર્થ સાયન્સિસ મંત્રાલયના સચિવ સામેલ થશે. આ ઉપરાંત ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓ પણ બેઠકમાં ભાગ લેશે.

અત્રે જણાવવાનું કે બંગાળની ખાડીમાં બનેલું હળવું દબાણ વિસ્તારમાં ચક્રવાતી તોફાન યાસમાં ફેરવાઈ જાય તેની શક્યતા છે. યાસ 26મી મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઓડિશા કાઠે પહોંચે તેવી શક્યતા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે હાલાતની સમીક્ષા માટે કંટ્રોલ રૂમમાં હાજર રહેશે. અધિકારીઓએ આ જાણકારી શનિવારે આપી હતી. રાજ્ય સચિવાલયમાં અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કર્યા બાદ સીએમ મમતા બેનર્જીએ શનિવારે કહ્યું કે સંવેદનશીલ વિસ્તારો માટે રાહત સામગ્રી રવાના કરી દેવાઈ છે. અધિકારીઓને કાંઠા વિસ્તારો અને નદી વિસ્તારોની આસપાસના લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવાનું કહેવાયું છે.

અત્રે જણાવવાનું કે બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડા યાસના સંભવિત જોખમને પહોંચી વળવા માટે ભારતીય નેવીએ પોતાના ચાર જહાજો ઉપરાંત અનેક વિમાનો તૈનાત કર્યા છે. આ તોફાન 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારો સાથે ટકરાય એવી આશંકા છે.

આ સપ્તાહની શરૂઆતમાં દેશના પશ્ચિમ તટ પર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ જેવા રાજ્યોમાં તબાહી સર્જનારા વાવાઝોડા તૌકત બાદ ભારતીય નેવીએ મોટા પાયે રાહત અને બચાવ અભિયાન ચલાવ્યું હતું.

નેવીએ કહ્યું કે તોફાનના સંભવિત જોખમને પહોંચી વળવા માટે પૂર રાહત અને બચાવની આઠ ટીમો ઉપરાંત ગોતાખોરોની ચાર ટીમોને ઓડિશા અને પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી છે. તોફાન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવા માટે નેવીના વિમાનોને વિશાખાપટ્ટનમમાં આઈએનએસ પર તૈનાત કરાયા છે. જ્યારે ચેન્નાઈ પાસે આઈએનએસ રાજાલી પર વિમાનો તૈનાત કરાયા છે. જેના દ્વારા રાહત અને બચાવ અભિયાન ચલાવવા ઉપરાંત રાહત સામગ્રી પણ વહેંચવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.