///

તૌકતે વાવાઝોડાથી ગીરના 18 સિંહ ગુમ થયા અંગે વન વિભાગનો ખુલાસો

તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં તબાહી મચાવી છે, ત્યારે તૌકતે વાવાઝોડા અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં 18 સિંહો ગુમ થયા હોવાની વાતો વહેતી થઈ હતી. જેને લઈને આખરે વન વિભાગ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

વન વિભાગ દ્વારા ખુલાસો કરતાં જણાવાયું છે કે, ગીર અને બૃહદગીરના તમામ સિંહ સલામત છે. આ વિસ્તારના એક પણ સિંહનું મોત નથી થયું કે કોઈ પણ પ્રકારનું નુક્સાન થયું નથી. વન વિભાગ દ્વારા સિંહોની સલામતી માટે સતત કાળજી લેવામાં આવી રહી છે તેનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

સિંહોની સુરક્ષા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે તેવું જુનાગઢ વન્યપ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડી. ટી.વસાવડાએ જણાવ્યું છે. વાવાઝોડાથી 18 જેટલાં સિંહો ગુમ થયેલ હોવાના સમાચારો મીડીયામાં પ્રસારિત થયા હતા. તે અંગે વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રનો માંગરોળથી લઈ મહુવા, તળાજા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોએ પોતાનું રહેઠાણ બનાવ્યું છે અને અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ તથા ભાવનગર જીલ્લામાં સિંહો વસે છે.

તૌકતે વાવાઝોડાની ચેતવણી મળતાં જ દરિયા કાંઠે વસતા સિંહો સહિત તમામ સિંહોની સલામતી માટે પગલા લેવામાં આવ્યા હતાં અને આ સિંહોનું સતત મોનીટરીંગ કરાયું હતું. આ મોનીટરીંગ દરમિયાન રાજુલા વિસ્તારના સિંહો દરિયાથી દુર સલામત સ્થળે જાતે જ ખસી ગયા હોવાનું પણ ધ્યાને આવ્યું છે.

તેમણે કહ્યું કે, રાજુલા, જાફરાબાદ, ઉના, કોડીનાર કે મહુવા તાલુકાના દરિયા કાંઠાના વિસ્તારોમાંથી એક પણ સિંહ ગુમ થયાનું જણાયું નથી કે આવા કોઈ અહેવાલો પ્રાપ્ત થયા નથી.

Leave a Reply

Your email address will not be published.