///

કિસાન આંદોલન: પંજાબના પૂર્વ CM પ્રકાશસિંહ બાદલે સરકારને પદ્મવિભૂષણ પરત કર્યો

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન આજે પણ યથાવત છે. એવામાં ખેડૂતોના આંદેલનને સમર્થન આપતા પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશસિંહ બાદલે તેમનું પદ્મવિભૂષણ સન્માન પરત કરી દીધું છે.

આ ઉપરાંત પ્રકાશસિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લગભગ ત્રણ પાનાની ચિઠ્ઠી લખતા કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો. સાથે જ ખેડૂતો પરના પગલાંની નિંદા કરી હતી અને તેની સાથે પોતાનું સમ્માન પરત કર્યુ હતુ. પોતાનો પદ્મવિભૂષણ પરત કરતાં પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલે જણાવ્યું હતું કે, હું એટલો ગરીબ છું કે ખેડૂતો માટે કુરબાની આપવા માટે મારી પાસે બીજું કશું નથી. હું આજે જે પણ છું તે ખેડૂતોના કારણે છું. એવામાં જો ખેડૂતોનું અપમાન થઈ રહ્યુ છે, તો કોઈપણ પ્રકારનું સમ્માન રાખવાનો કોઈ ફાયદો નથી.

તો પ્રકાશસિંહ બાદલે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ખેડૂતોની સાથે જે રીતની છેતરપિંડી કરવામાં આવી છે તેનાથી મને ઘણું દુઃખ થયું છે. ખેડૂતોના આંદોલનને જે ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે તે દર્દનાક છે.

આ પહેલા પણ બાદલ કુટુંબે કૃષિ કાયદાનો નોંધપાત્ર વિરોધ કર્યો હતો. જેમાં હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું અને કેન્દ્રના નવા કાયદાને ખેડૂતો સાથે મોટી છેતરપિંડી ગણાવી હતી. ફક્ત એટલું જ નહી સુખબીર બાદલે અકાલી દળને એનડીએથી અલગ કરવાની જાહેરાત કરતા પંજાબ ચૂંટણી એકલા લડવાની જ વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.