///

મુંબઈના દરિયામાં બાર્જ P305 જહાજ ડૂબ્યા બાદ 14 મૃતદેહ મળ્યા, 75 લોકો ગુમ

તૌકતે વાવાઝોડું નબળું પડી ગયું છે, પરંતુ સોમવારે જ્યારે તે મહારાષ્ટ્રના દરિયા કાંઠેથી પસાર થયું, ત્યારે ભારે તારાજી સર્જી હતી. જેના પગલે દરિયામાં 4 જહાજો ફસાઈ ગયા હતા. જેમાંથી એક જહાજ બાર્જ P-305 હવે ડૂબી ગયું છે. જેના પર 273 લોકો સવાર હતા. જેમાંથી 184 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે. જ્યારે 14ના મૃતદેહ મળી આવ્યા છે અને હજુ પણ 75 લોકો ગુમ છે. આ જહાજના રેસ્ક્યુ ઓપરેશનમાં INS વિરાટ અને INS કોલકત્તા સામેલ છે.

બાર્જ પી-305 સિવાય ગાલ કન્સ્ટ્રક્ટર પર 137 લોકો ફસાયા હતા. જે તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યાં છે. બાર્જ SS-3 પર 202 અને સાગર ભૂષણ જહાજ પર 101 લોકો ફસાયા છે. ઈન્ડિયન નેવીના જણાવ્યા મુજબ, આ તમામ લોકો સુરક્ષિત છે અને તેમને ખાણી-પીણીની વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ જહાજોને ONGCની મદદથી ખેંચીને પરત લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

મહત્વનું છે કે, મુંબઈથી 175 કિલોમીટર દૂર હીરા ફીલ્ડ્સમાં બાર્જ પી-305 પર રેસ્ક્યૂ સોમવારે સાંજે 5 વાગ્યાથી ચાલી રહ્યું છે. જેના પર સૌથી વધુ 273 લોકો સવાર હતા. આ જહાજના ક્રૂ મેમ્બર્સ અને અન્ય લોકોને સુરક્ષિત નીકાળવા માટે INS કોલકત્તા અને INS કોચ્ચિ મથી રહ્યાં છે.

જો કે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી 184 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. નેવી ઑફિસર મનોજ ઝાએ 14 મૃતદેહ મળવાની પુષ્ટિ કરી છે. જ્યારે વાવાઝોડાના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અત્યાર સુધી 63 લોકોના મોત નોંધાયા છે.

અરબી સમુદ્રમાં ONGCની ઑઈલ રિંગ પાસે ઉભા રહેલા બાર્જ પી-305ની કંપની એફકૉને આ અંગે એક નિવેદન જારી કર્યું છે. કંપનીનો દાવો છે કે, છેલ્લા પાંચ દાયકામાં આવેલ આ સૌથી ભયાનક વાવાઝોડું છે, જેણે આટલી મોટી તબાહી મચાવી છે.

કંપનીના જણાવ્યા મુજબ, જ્યારે બાર્જને સોમવારે વાવાઝોડાની જાણકારી આપવામાં આવી હતી, ત્યારે તેમાં કુલ 261 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં 184 લોકોને ત્યાંથી બચાવી લેવામાં આવ્યાં છે. નેવીની મદદથી મોટા પાયે સર્ચ ઑપરેશન પણ ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.