ફ્રાન્સે હવે પાકિસ્તાનને બરાબર લાગમાં લીધું છે. જેમાં ફ્રાન્સે એ સ્પષ્ટ કરી દીધુ છે કે, તે મુસ્લિમ દેશોના દબાણ આગળ જરાય નમશે નહીં. ફ્રાન્સે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના પૂર્વ પ્રમુખ લેફ્ટેનન્ટ જનરલ અહેમદ શુજા પાશાના સંબંધી સહિત 183 પાકિસ્તાની નાગરિકોના વિઝિટર વિઝા રદ કરી નાખ્યા છે. એટલું જ નહીં ફ્રાન્સે 118 પાકિસ્તાનીઓને જરબદસ્તીથી ડિપોર્ટ પણ કર્યા છે. ઈમેન્યુઅલ મેક્રોન સરકારની આ કાર્યવાહીને સીધી રીતે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનના ફ્રાન્સ વિરોધી નિવેદનો સાથે જોડવામાં આવી રહી છે.
આ અંગેની પુષ્ટિ પેરિસમાં પાકિસ્તાનના વાણિજ્ય દૂતાવાસે કરતા ફ્રાન્સને પૂર્વ ISI ચીફના બહેનને અસ્થાયી રીતે રહેવાની મંજૂરી આપવાનો આગ્રહ કર્યો છે. કારણ કે તેઓ તેમના બીમાર સાસુને મળવા માટે ફ્રાન્સ આવ્યા છે. પાકિસ્તાનનો દાવો છે કે, કાયદેસર દસ્તાવેજો હોવા છતાં તેમના 118 નાગરિકોને જબરદસ્તીથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. તેઓ આ સંબંધે ફ્રાન્સના અધિકારીઓના સંપર્કમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને શાળામાં મહમ્મદ પયગંબરસાહેબનું કાર્ટુન દેખાડવા બદલ પેરિસમાં એક યુવકે શાળાના ટીચરની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. જેના પર રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ઈસ્લામિક આતંકવાદ પર નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તેમની મુસ્લિમ દેશોમાં ટીકા થઈ રહી છે. ખાસ કરીને તુર્કી અને પાકિસ્તાન ફ્રાન્સની સૌથી વધુ ટીકા કરી રહ્યા છે.
આ અંગે ઈમરાન ખાને તો મુસ્લિમ દેશોને પત્ર લખીને પશ્ચિમી દેશો વિરુદ્ધ એકજૂથ થવાની અપીલ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ઈસ્લામોફોબિયાથી ગ્રસ્ત પશ્ચિમી દેશોની લીડરશીપને રસ્તે લાવવા માટે મુસ્લિમ દેશોએ એકજૂથ થવાની જરૂર છે.