///

ફ્રાન્સે માલીમાં એર સ્ટ્રાઈક કરીને 50 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા

છેલ્લા કેટલાક દિવસોથી ફ્રાન્સમાં થઈ રહેલા આતંકી હુમલા બાદ હવે સમગ્ર યુરોપમાં હડકંપ મચી જવા પામ્યો છે. હવે ફ્રાન્સે આતંકી સંગઠન અલ કાયદા પર પોતાનો કહેર વર્તાવ્યો છે. ફ્રાન્સના રક્ષાપ્રધાનના જણાવ્યા મુજબ ફ્રાન્સની સેનાએ માલીમાં એરસ્ટ્રાઈકને અંજામ આપ્યો છે. જેમાં 50 આતંકીઓનો ખાતમો બાલાવ્યો છે. તેમજ ચાર આતંકીઓને જીવતા પકડવામાં આવ્યા છે. જોકે અલ કાયદાએ ફ્રાન્સને ધમકી પણ આપી છે.

ફ્રાંસની સરકારના જણાવ્યા અનુસાર આ આતંકીઓનો અલ કાયદા સાથે સંબંધો હતા. આ લોકો ઇસ્લામ અને મુસ્લિમ સંગઠનોના જૂથ માટે કામ કરતા હતા. તે સમયે જ્યારે આતંકીઓ મોટરસાયકલ પર ઝુંડમાં જઇ રહ્યા હતા, ત્યારે ફ્રેન્ચ સૈન્યએ તેઓને જોયું અને પછી ડ્રોનના માધ્યમથી તેમના પર હુમલો કર્યો.

ફ્રાન્સમાં પયગંબર મોહમ્મદના કાર્ટૂન બનાવવાને લઈને છેડાયેલા વિવાદ બાદ અનેક શહેરોમાં આતંકી હુમલાની ઘટના ઘટી હતી. ત્યારબાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ચેતવણી આપી હતી કે, તેઓ હિંસાનું સમર્થન કરતા નથી અને આ પ્રકારના હુમલા કરનારાઓેને બરાબરનો પાઠ ભણાવવામાં આવશે.

તો ફ્રાન્સના રક્ષાપ્રધાન ફ્લોરેન્સ પાર્લીના જણાવ્યાં મુજબ 30 ઓક્ટોબરના રોજ ફ્રાન્સની સેનાએ માલીમાં એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં 50થી વધુ આતંકીઓ માર્યા ગયા છે તથા હથિયારોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત ચાર આતંકીઓને જીવતા પકડાયા છે. આ એરસ્ટ્રાઈકની જાણકારી ફ્રાન્સ દ્વારા સોમવારે શેર કરાઈ. મળતી માહિતી મુજબ આ ઠેકાણાથી એક્સ્પ્લોઝિવ, સ્યૂસાઈડ વેસ્ટ સહિત અન્ય સામાન મળ્યો છે.

બીજી બાજુ અલકાયદાએ મોહમ્મદ પયગંબરના કાર્ટૂન બનાવવા બદલ લોકોની હત્યાને યોગ્ય ઠેરવતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ધમકી પણ આપી. મેક્રોને આ કાર્ટૂનને ફ્રિડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેસના આંચળા હેઠળ યોગ્ય ઠેરવતા તેમના નિવેદને મુસ્લિમોને સખત નારાજ કર્યા છે. કટ્ટરવાદીઓ તેમની સામે પડ્યા છે. અનેક મુસ્લિમ દેશોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

તો અલ કાયદાના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મહમ્મદ પયગંબરનું અપમાન કરનારા કોઈની પણ હત્યા કરવી એ દરેક મુસ્લિમનો હક છે. ફ્રેન્ચ ઉત્પાદનોનો બહિષ્કાર એટલું પૂરતું નથી. બહિષ્કાર કરવો એ ફરજ છે પણ પૂરતું નથી. તેણે એમ પણ કહ્યું કે, તે મેક્રોનના નિવેદનનો બદલો લેશે.

Leave a Reply

Your email address will not be published.