/////

વડોદરામાં SSG હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગેલી આગમાં FSLએ કર્યો મોટો ખુલાસો

વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ ધમણ વેન્ટિલેટરને કારણે લાગી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યુ છે. FSLની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે.

FSL સુરત અને વડોદરા FSLના ઇન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર ડીબી પટેલે કહ્યું કે SSG હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ICU 2માં ધમણ વેન્ટિલેટર લાગેલુ હતું. વેન્ટિલેટર અને કોમ્પ્રેસરમાં યાંત્રિક ખામી હતી અને આ ખામીને કારણે શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી.

ઉલ્લેખનિય છે કે 8 સપ્ટેમ્બરના રોજ વડોદરાની SSG હોસ્પિટલના કોરોના વોર્ડમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મેયર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. બીજી તરફ તમામ દર્દીઓને આગ લાગતા તુરંત વોર્ડની બહાર ખસેડાયા હતાં. એસએસજી હોસ્પિટલમાં આગ લાગતા તંત્ર દ્વારા મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આ વચ્ચે SSG હોસ્પિટલમાં ક્રિટીકલ કેરમાં 150થી વધારે દર્દીઓ સારવાર લઇ રહ્યા હતાં.

મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં આ પહેલા પણ અમદાવાદ,રાજકોટ, જામનગર જેવા શહેરોમાં હોસ્પિટલમાં આગના બનાવો બન્યા હતાં. આ તકે હોસ્પિટલમાં આગ લાગતા ફાયર સેફ્ટી પર પણ સવાલ ઉભા કરવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.