ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડતાં 10 દિવસ પહેલાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત સુધરી જતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતા, પરંતુ આજે એકાએક તબિયત વધુ લથડતાં તેમનું નિધન થયું હતું.
પૂર્વ મુખ્યપ્રધાનના પાર્થિવ દેહને ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં રાજ્યના મુખ્યપ્રધાન સહિત મંત્રીમંડળના સભ્યો આગેવાનો, કાર્યકરોએ અંતિમ દર્શન કર્યા બાદ બાપાના પાર્થિવ દેહને તિરંગામા લપેટી અંતિમ યાત્રા સેક્ટર 30ના સ્મશાનગૃહ ખાતે પહોંચી હતી. જ્યાં કેશુભાઇના પાર્થિવ દેહને ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે.
આ તકે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર અને સલામી આપી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ભારે હૈયે બાપાને અંતિમ વિદાય આપવામાં આવી હતી. તે સમયે મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન સહિત અનેક ભાજપના નેતાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.