અમદાવાદમાં આવેલા બાપુનગરના સત્યમનગર ખાતે મકાનના બાથરૂમના સમારકામ દરમિયાન ગેલેરીની છત પડી જવાની ઘટના રવિવારે બની હતી. ત્યારે ગેલેરીની છત પડતા 4 વર્ષના બાળક સહિત 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા. શહેરના બાપુનગર પોલીસે આ બનાવ અંગે મૃતક કારીગરના ભાઈની ફરિયાદના આધારે મકાન માલિક સહિત 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના કૃષ્ણનગરના ઠક્કરનગરમાં ભરવાડ વાસ ખાતે રહેતા ગોવિંદ સિંધા ભરવાડે બાપુનગર પોલીસ સ્ટેશનમાં સોમવારે રાત્રે 10 કલાકે આરોપી વિનુ છના પરમાર, શૈલેષ નટવર ડાભી અને રાજેશ બાબુ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ કરી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત રવિવારે ગોવિંદના મોટા ભાઈ લાલજી બાપુનગરના સત્યમનગરમાં રહેતા વિનુ છના પરમારના મકાન પર બાથરૂમનું રિનોવેશન કામ કરવા ગયા હતા. આ દરમિયાન ગેલેરીની છત પડતા લાલજી તેમજ ત્યાં રહેતા 4 વર્ષના બાળક દેવમ નયન બારોટને ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન લાલજી અને દેવમનું મોત નિપજ્યું હતું.
આ બનાવમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, છનાના મકાનના રીનોવેશનનું કામ શૈલેષ ડાભી અને રાજેશ વાઘેલાએ રાખ્યું હતું. જેના પોલીસે મકાન માલિક છના અને કામ રાખનાર બન્ને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.