///

ગાંધીનગર : કલોલમાં બ્લાસ્ટથી 2 મકાન થયા ધરાશાયી

ગાંધીનગરમાં આવેલા કલોલ સ્થિત પંચવટી વિસ્તારમાં જમીનમાં ધડાકા બાદ બે બિલ્ડીંગ ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પંચવટી વિસ્તારમાં બ્લાસ્ટથી 2 મકાન ધરાશાયી થઈ ગયા હતા. મકાન ધરાશાયી થતા 2 વ્યક્તિ દટાયા હતા. તો એક વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડાયો હતો. જોકે, મકાનના કાટમાળ નીચે દબાયેલા એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે.

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે, જિલ્લાના કલોલના પંચવટી વિસ્તારમાં વહેલી સવારે બ્લાસ્ટ સાથે બે મકાનો ધરાશાયી થઈ ગયા હતા. આ ધડાકા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ જમીનમાં ગેસ ફોલ્ટ કે અન્ય કારણોસર આ બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે.

આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસના વિસ્તારના લોકો પોત-પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં આવેલા મકાનોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. હાલ ધરાશાયી થયેલી ઈમારતના કાટમાળ નીચે ફસાયેલી લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, અવારનવાર અહીં ઓએનજીસીની પાઈપલાઈન ફાટતી હોય છે. ઓએનજીસીની લાઈન જ્યાંથી જતી હોય છે તેમાં બિલ્ડર દ્વારા મકાનો બાંધીને રહેણાંક વિસ્તાર ઉભો કરવામાં આવે છે. આવા અનેક ફ્લેટ ઓએનજીસીના પાઈપલાઈન પર ઉભા કરાયા છે. વારંવાર કલોલમાં આ પ્રકારની ઘટના બનતી રહે છે.

Leave a Reply

Your email address will not be published.