////

ગાંધીનગર અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી રહેશે બંધ

રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ગાંધીનગર અક્ષરધામ મંદિરને 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં કોરોના સંક્રમણની વધતી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા સાવચેતીના પગલા રૂપે 24 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી અક્ષરધામ મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ પહેલા અક્ષરધામ મંદિરને 20 નવેમ્બર રાત્રિથી 23 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને હવે 30 નવેમ્બર સુધી વધારી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં કોરોના સંક્રમણની બીજી લહેર જોવા મળી રહી છે. જેને કારણે સરકાર દ્વારા સાવચેતીના પગલા પણ લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના ધાર્મિક સ્થળો તેમજ પ્રવાસન સ્થળોને બંધ રાખવામાં આવી રહ્યા છે, જેને કારણે લોકોની વધુ ભીડ ભેગી ના થાય. ધાર્મિક સ્થળોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે જેને કારણે કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો પણ વધી રહ્યો છે, જેને કારણે ધાર્મિક સ્થળોને સાવચેતીના ભાગ રૂપે બંધ કરવામાં આવી રહ્યા છે.

તો બીજી બાજુ શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ લોકોને માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, કામ સિવાય બહાર ના જવું ઉપરાંત સરકારે આપેલા નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.