ડુપ્લિકેટ ATM કાર્ડ બનાવી રૂપિયા લૂંટનારી ગેંગના 4 સભ્યોની દમણ પોલીસે ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓએ આ ગુનાને અંજામ આપવા માટે 50 હજાર રૂપિયા ચૂકવીને તાલીમ મેળવી હોવાની વાત પોલીસ તપાસમાં સામે આવી છે.
આ અંગે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના DIG વિક્રમજીત સિંહે જણાવ્યું કે, દમણમાં 4 લોકોએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે પોતાના ATM કાર્ડ તેમની પાસે હોવા છતાં તેમના ખાતામાંથી રૂપિયા ઉપાડવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી.
આ મામલે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, સુરતના ATMમાંથી પીડિતોના ખાતામાંથી રૂપિયા ઉપાડવામાં આવ્યાં છે. પોલીસે વધુ તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું કે, સુરતના સચિનમાં કેટલા લોકો ડુપ્લિકેટ ATMથી રૂપિયા ઉપાડવાના ગુના સાથે સંકળાયેલા છે. આથી પોલીસે ત્યાંથી 4 લોકોની ધરપકડ કરી હતી.
આ તકે પોલીસે જણાવ્યું કે, આરોપીઓ પાસેથી મિનીડીએક્સ મશીન, કાર્ડ રીડર, સ્કેનર મશીન, અલગ-અલગ બેંકના 39 ATM કાર્ડ, 12 મોબાઈલ, 1,44,900 રૂપિયા રોકડ, 50 હજારના દાગીના અને એક બાઈક જપ્ત કરવામાં આવ્યું છે.
પોલીસે વધુમાં જણાવ્યું કે, આરોપીઓએ બિહારના ગયા જિલ્લામાં ડુપ્લિકેટ ATM કાર્ડ બનાવીને ATMમાંથી પૈસા ઉપાડવા માટે 50 હજાર રૂપિયા આપી તાલીમ મેળવી છે. આ લોકો વધારે ભણેલા-ગણેલા નથી, પરંતુ મોબાઈલ અને લેપટોપ પર તેમની આવડત છે.