/

દેશની રાજધાનીમાં આંદોલનકારી ખેડૂતોને પગલે લોખંડી સુરક્ષા, તમામ સરહદો સીલ કરાઇ જુઓ VIDEO

કેન્દ્ર સરકારના કિસાન કાયદા વિરુદ્ધ પંજાબ અને હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી આવી રહ્યા છે. આંદોલનકારી ખેડૂતોને દિલ્હીમાં આવતા રોકવા માટે પોલીસ તમામ પ્રયાસ કરી રહી છે. જેમાં દિલ્હીની સરહદોને પણ સીલ કરી દેવાઈ છે. આ ઉપરાંત પોલીસ દ્વારા ડ્રોન કેમેરા હેઠળ ચાંપતી નજર રખાઇ રહી છે.

કિસાન આંદોલનના કારણે દિલ્હીમાં મેટ્રો સેવા ઉપર પણ આંશિક અસર પડી છે. જેના પગલે બપોરે 2 કલાક સુધી મેટ્રો સેવાને બંધ રાખવામાં આવી છે. તે સમયગાળા દરમિયાન દિલ્હીના 12 મેટ્રો સ્ટેશનથી લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. પંજાબ-હરિયાણાથી આવતા હજારો ખેડૂતોને દિલ્હીમાં આવતા રોકવા માટે સરહદ પર ભારે પોલીસ ફોર્સ તૈનાત કરાયો છે.

આ બધા વચ્ચે દિલ્હી તરફ માર્ચ કરી આગળ વધી રહેલા આંદોલનકારી ખેડૂતો પર પોલીસે વોટર કેનનનો મારો કર્યો અને ભીડને તોડવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હી ચલોના નારા સાથે ખેડૂતોની માર્ચ જ્યારે બુધવારે કુરુક્ષેત્ર પહોંચી તો ખેડૂતોને રોકવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. ખેડૂતોના આંદોલન અને તેમને રોકવાને લઈને હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વીજે કહ્યું કે સામાન્ય જનતાને તકલીફ ન થાય તે માટે સંપૂર્ણ તૈયારી કરી લેવાઈ છે.

અમૃતસરથી આવનારી 12 ટ્રેનોને રદ કરાઈ છે. જ્યારે અમૃતસરના રૂટ પર દોડતી 9 ટ્રેનોના સમય અને સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખેડૂતોના આંદોલનની અવધી દરમિયાન પાડોશી શહેરોથી દિલ્હીમાં કોઈ મેટ્રો એન્ટ્રી નહીં કરે કે બહાર નહીં જાય.

જો કે આ આદેશ માત્ર બપોરે 2 કલાક સુધી જ છે. ત્યારબાદ મેટ્રો સેવા સામાન્ય થઈ જશે. દિલ્હી નજીક હરિયાણા અને યુપીની સરહદોથી આવનારા લોકો માટે પણ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.