રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસ પોતાના પ્રદર્શનને લઇને આત્મનિરીક્ષણ કરવાને બદલે મતભેદોમાંથી પસાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ તકે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેઓએ પાર્ટીના આંતરિક મુદ્દાઓને મીડિયા સમક્ષ નહીં લાવવાની વાત કરી છે.
There was no need for Mr Kapil Sibal to mentioned our internal issue in Media, this has hurt the sentiments of party workers across the country.
— Ashok Gehlot (@ashokgehlot51) November 16, 2020
1/
અશોક ગેહલોતનું કહેવું છે કે કપિલ સિબ્બલના નિવેદનથી કોંગ્રેસના કાર્યકરો દુ:ખી થયા છે. તેઓએ પાર્ટીના આંતરિક મુદ્દાઓને મીડિયા સમક્ષ લાવવાની જરૂર નથી. વધુમાં જણાવ્યું કે કોંગ્રેસે ઘણા ખરાબ સમય જોયા છે. વર્ષ 1969, 1977, 1989 અને ફરીથી 1996માં પાર્ટી ખરાબ સમયમાંથી પસાર થઇ છે, પરંતુ પાર્ટીએ તેની નીતિઓ, વિચારધારા અને નેતૃત્વના વિશ્વાસના આધારે જબરદસ્ત પુનરાગમન કર્યું છે. દરેક વખતે પાર્ટી ખરાબ સમયમાંથી બહાર આવી છે અને બાદમાં સારુ પ્રદર્શન કર્યું છે. સોનિયા ગાંધીના નેતૃત્વમાં 2004માં યુપીએએ સરકાર બનાવી હતી. આ વખતે પણ પરિસ્થિતિને પહોંચી વળીશું.
વધુમાં જણાવતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ચૂંટણી હારવાના ઘણા કારણો જવાબદાર હોય છે. દરેક વખતે પાર્ટીએ નેતૃત્વ અને પદને લઇને હિંમત દર્શાવી છે અને અમે ખરાબ સમયમાંથી બહાર આવ્યા છે. ખરાબ સમયમાં પાર્ટી મજબૂતી સાથે ઉભી રહી છે અને આ જ ખરાબ સમયમાંથી બહાર આવવાનું કારણ છે. આજે પણ કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે કે જે દેશને એક રાખી સતત વિકાસના માર્ગ પર આગળ વધી શકે છે.
ઉલ્લેખનિય છે કે દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે પ્રાઇવેટ અખબારને આપેલા એક ઇન્ટરવ્યુમાં પાર્ટીની રાજ્યોમાં થઇ રહેલી હાર વિશે આત્મનિરીક્ષણની વાત કરી હતી.