24 ઓક્ટોમ્બર, શનિવારે દેશના વડાપ્રધાનના હસ્તે ગિરનાર પર્વત પર જવા માટે ગિરનાર રોપવે ખુલ્લો મુકાયો હતો. જ્યારે સામાન્ય વર્ગના લોકો માટે ગીરનાર પર્વત પર જવું મા અંબાજીના દર્શનની જેમ કઠીન થવા પામ્યું છે. કારણ કે આવક જાવકની ટીકીટનો દર રૂા. 700, બાળકોના 350 અને એક જ વખત જવા માટે રૂા. 400નું ભાડું ગિરનાર પહાડ જેવડું આમ જનતા માટે પડયું છે.
સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું સ્વપ્ન હતું કે, ગિરનાર રોપવે શરુ થશે ત્યારે માના ચરણમાં વંદન કરવા જઇશું પરંતુ ઉષા બ્રેકો કંપનીના આવક જાવકના 700ના ભાડાથી લઇને આમ આદમીનું સ્વપ્ન સ્વપ્ન જ રહીને રોડાઈ જવા પામ્યું છે. અનેક અબાલ વૃધ્ધ અપંગ ખોડખાપણ, બીમાર, અશક્ત, ગરીબ પરિવારની મા અંબાજી સુધી દર્શને પહોંચવાની આશા નિરાશામાં ફરી વળી છે.
ગિરનાર પર્વત પર આગામી દિવસોમાં આવનાર દિવાળીને લઈને પ્રવાસીઓ, યાત્રીકો, પર્યટકોનો પુરતો ધસારો રહેશે. ગઇકાલે જૂનાગઢ કરતાં બહારના લોકો વધારે હતાં. જેઓ રોપવેની ટીકીટના ભાવ સાંભળી માત્ર રોપવેના ફોટા પાડીને જતા રહ્યા હતા. એનું મુખ્ય કારણ રોપવેના ગિરનારના પહાડ જેવડા ભાવ છે.