////

ગુગલમાં વિશ્વના ટોપ 50 લોકલ ગાઈડમાં આ બે ગુજરાતીઓ સામેલ

આજના યુગના લોકો માટે ગુગલ મેપ ટેકણ લાકડી બની ચુકી છે. જેમાં કોઇ પણ સ્થળ પર પહોંચવાનું હોય તો ગુગલ એક સાથીની જેમ સાથ નિભાવે છે. જો કે આ ગુગલ મેપ તૈયાર કરવા માટે પણ એક ખાસ કોમ્યુનિટિ કામ કરી રહી છે. જે માત્ર સેવાકીય હેતુથી ગુગલ મેપમાં રોડની ક્વોલિટી, ટ્રાફીકજામ, રેસ્ટોરન્ટ્સ કે હોટલ્સ અંગેનાં પોતાના મંતવ્યો રજુ કરે છે. જેના આધારે ગુગલ દ્વારા રેટિંગ્સ આપવામાં આવે છે. ત્યારે રાજ્યનાં બે વ્યક્તિ ગુગલ માટે વોલેન્ટીયર તરીકે કામ કરે છે. જેમાં નરેશ દરજી અને પ્રિયંકા ઉપાધ્યાય ગુગલના લોકલ ગાઇડ તરીકે સેવા આપી રહ્યા છે.

જેમાં નરેશ દરજી ગુજરાત લોકલ ગાઇડ કોમ્યુનિટી ચલાવે છે. આ કોમ્યુનિટીમાં 200થી વધારે મેમ્બર જોડાયેલા છે. આ બંન્ને ગુગલના લોકલ ગાઇડ સમિટ 2018માં ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. ગુગલ દ્વારા તેમને કેલિફોર્નિયા ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2015માં ગુગલ દ્વારા લોકલ ગાઇડ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક લોકો તેમની આસપાસના વિસ્તારને મેપ પર અપડેટ કરી લોકલ ગાઇડ બની શકે છે. તમે તમારી આસપાસના સ્થળોના મેપ પણ મુકી શકો છો. જેથી અન્ય લોકો સરળતાથી તેના વિશે માહિતી મેળવી શકે.

આ સાથે જ ગુગલ દ્વારા લોકલ ગાઇડની એન્યુલ સમિટ માટે અરજી કરી શકો છો. જો તમે સિલેક્ટ થયા તો ગુગલ હેડ ક્વાર્ટર ખાતે આમંત્રિત કરે છે. જેનો સંપુર્ણ ખર્ચ ગુગલ દ્વારા ઉઠાવવામાં આવે છે. તેમજ વર્ષ દરમિયાન ગુગલ દ્વારા નાની મોટી પર્ક તેમજ ડિસ્કાઉન્ટ કુપનો પણ મળતી રહે છે.

આ ઉપરાંત નરેશ દરજી અને પ્રિયંકા ઉપાધ્યાયને ગુગલ દ્વારા કામગીરી માટે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આ વર્ષે પણ ગુગલ લોલક ગાઇડ દ્વારા પૂરા વિશ્વમાંથી શ્રેષ્ઠ 50 લોકલ ગાઇડને સન્માનિત કરાયા હતા. જેમાં બે ગુજરાતીઓને પણ આ બહુમાન મળ્યું હતું. નરેશ દરજીને શ્રેષ્ઠ કોમ્યુનિટી બિલ્ડરનો એવોર્ડ એનાયત થયો હતો. જ્યારે પ્રિયંકા ઉપાધ્યાયને લોકલ બિઝનેસ ચેમ્પિયનનો એવોર્ડ એનાયત થયો હતો.

Leave a Reply

Your email address will not be published.